કાલોલ શહેરમાં પાંચ દિવસના અંતરાલ બાદ એક કોરોના પોઝીટીવ કેસ દેખાયો : સર્વોદય સોસાયટીમાં રહેતો ૨૯ વર્ષીય પરપ્રાંતીય યુવક પોઝીટીવ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલમાં પાછલા સપ્તાહના ગત બુધવારે ૨ પોઝીટીવ કેસો નોંધાયા પછી પાછલા પાંચ દિવસોમાં કોઈ પોઝીટીવ કેસ પ્રકાશમાં નહીં આવતા સંક્રમણની ચેઈનની રફતાર મંદ પડી ગઈ હોવા અંગે તંત્રને રાહત હતી. પરંતુ પાચ દિવસના વિરામ બાદ સોમવારે સાંજે કાલોલ શહેરની સર્વોદય સોસાયટીના પરપ્રાંતીય એવા એક લઘુમતી કોમના ૨૯ વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સર્વોદય સોસાયટીમાં ફફડાટ ફેલાયો હતો. સર્વોદય સોસાયટી વિસ્તારમાં રહેતો આ યુવક મુળ પરપ્રાંતીય છે જે કાલોલ જીઆઇડીસીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને લોકડાઉન દરમ્યાન તેના વતન પણ જતો રહ્યો હતો પરંતુ અનલોક-૧માં કંપની ચાલુ થતાં ગત ૯મી જુને પરત આવી ગયો હતો. જોકે બીજા દિવસે નોકરી પર જતાં પરપ્રાંતથી આવ્યો હોવાથી કંપનીએ તેને હોમ કવેરોન્ટાઈન રહેવાની સલાહ આપી ચૌદ દિવસ પછી જ નોકરીએ આવવાનું જણાવ્યું હતું. જે હોમ કવેરોન્ટાઈન દરમિયાન જ પાછલા સપ્તાહે તેની તબિયત નાદુરસ્ત બનતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દવા પણ કરાવી હતી. જે તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં રવિવારે ૧૦૪ કોરોના હેલ્પલાઈન હેઠળ જાણ કરી સેમ્પલ લેતાં તેનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું. જેથી તંત્રએ યુવકને કોરોના સારવાર અર્થે ગોધરા સ્થિત કોરોના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ સંક્રમણ થંભી ગયેલુ દેખાય છે કેમ કે પાછલા પંદર દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જ્યારે કાલોલ શહેરમાં પાછલા પંદર દિવસમાં પાછલા સપ્તાહના બે કેસો અને આજનો એક મળી શહેરમાં ૧૦મો અને તાલુકામાં ૧૭મો પોઝીટીવ કેસ નોંધાયો હતો જે પૈકી ૨ મોત અને ૧૨ ડિસ્ચાર્જ પછી આ ત્રણ જ કેસો સારવાર હેઠળ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here