કાલોલ શહેરના ગાંધી ફળીયામાં મંગળવારે સાંજે વધુ એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ: કાલોલ શહેરમાં વધીને ૨૯ કેસો નોંધાયા

પાલિકા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવાની તજવીજ હાથ ધરી હટી તેની તસ્વીર.

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ શહેરમાં મંગળવારે સાંજે મહાદેવ ફળિયાના એક વેપારી કોરોના સંક્રમણથી પ્રભાવિત બન્યા બાદ મોડી રાત્રે મહાદેવ ફળિયા પાસેના ગાંધી ફળીયાની ૫૮ વર્ષિય મહિલાનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગાંધી ફળિયા વિસ્તારમાં ચાર દિવસમાં ચોથો કેસ પ્રકાશમાં આવતા આ સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો ગયો હતો. શહેરના ગાંધી ફળીયામાં ગત શનિવારે જ કોરોના પ્રભાવિત બનેલા સસ્તા અનાજની દુકાનના સંચાલક ભીખાભાઇ પરસોત્તમદાસ પરીખના માતા પંકજબેન પરષોત્તમદાસ પરીખ(ઉ.વ ૫૮)ને તેમનો પુત્ર પોઝીટીવ આવતા તંત્ર દ્વારા કરવામાં આવેલા હોમ કવેરોન્ટાઈન દરમિયાન તેમની નાદુરસ્ત તબિયતને પગલે લીધેલા સેમ્પલનો રિપોર્ટ મંગળવારે મોડી સાંજે કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું. જેથી પોઝીટીવ કેસને પગલે તંત્ર દ્વારા મંગળવારે રાત્રે જ પ્રભાવિત બનેલા પંકજબેનને કોરોના સારવાર અર્થે તાજપુરા ખાતેની કોરોના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. કાલોલ શહેરમાં પરીખ પરિવારના બે સભ્યો સાથે પાછલા ચાર દિવસમાં ચાર કોરોના પોઝીટીવ કેસો ધરાવતા ગાંધી ફળીયા આસપાસનો વિસ્તાર કોરોના હોટસ્પોટ બનતા બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે પાલિકા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે કાલોલ શહેરમાં કોરોના કેસો વધતા કુલ ૨૯ કેસો સાથે ૩ મોત, ૧૧ ડિસ્ચાર્જ મુજબ હાલમાં ૧૫ જેટલા કોરોના પ્રભાવિત દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here