કાલોલ તાલુકાની જીવાદોરી ગણાતી ગોમા નદીમાં પહેલાંજ વરસાદે નવા નીરની પધરામણી: ચેકડેમો છલકાતાં મનોરમ્ય દ્રશ્ય સર્જાયા

કાલોલ, (પંચમહાલ)/મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ સહિત તાલુકામાં વહેલી સવારે વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં ચારેતરફ જળબંબાકાર લઇ પંથકમાં પાણી પાણી થઇ ગયું હતું અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ચારેતરફ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈ
કાલોલ તાલુકાની લાઇફલાઇન ગણાતી ગોમા નદીમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પગલે પહેલા ચોમાસાં માં શનિવારની વહેલી સવારે ધોધમાર સ્વરૂપનો વરસાદ તૂટી પડતાં ચાલુ સીઝનમાં પહેલી વખત ગોમાનદી વહેતી થતા નદીપરના ચેકડેમો ઓવરફલો થયેલા જોવા મળતા નદીતટના સમગ્ર જનજીવનને વ્યાપક શાતા મળી હતી.ગોમા નદી પર ચલાલી થી સુરેલી, ચોરાડુંગરી-અલાલી,સગનપુરા, ઉતરેડિયા,જેતપુર,કાલોલ શહેર અને કાતોલ સુધીના વિવિધ ચેકડેમો આવેલા છે આ બધા ચેકડેમો પહેલીવાર છલકાતા નદીતટના રહીશો પોતાની નદીના નવા નીરને વધાવવા અને નયનરમ્ય નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા.આ ચેકડેમો ઓવરફ્લો થતા ધસમસતા પાણીના મનોરમ્ય દ્રષ્યો પણ સર્જાયા હતાં.લગભગ બારેબાસ સૂકીભટ રહેતી ગોમાં નદીમાં આ વર્ષે શરૂઆતના ચોમાસાં માં વરસાદી પાણીની આવક થતા નદી કાંઠે વસતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જો નદી બે કાંઠે વહેતી થતા નદી કાંઠા વિસ્તારના અનેક ગામોના જળસ્રોતોના સ્તર ઊંચા આવે છે. જેથી આખા વર્ષ દરમ્યાન પીવા અને સિંચાઈના પાણી માટે નદી વરદાયિની બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here