કાલોલ તાલુકાના નાની કાનોડ ગામના કાલી માતાના ઉપાસક અને સંન્યાસી સ્વામી ગજાનંદપુરી ૮૬ વર્ષે દેવગમન… હજારો શ્રદ્ધાળુઓમાં શોક

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

ગ્રામજનો સાથે ગુજરાત અને રાજસ્થાનના હજારો ભાવિકોએ શુક્રવારે અંતિમ દર્શન કરી તેમના આશ્રમ ખાતે જ અગ્નિસંસ્કાર કર્યા

કાલોલ તાલુકાના નાની કાનોડ ગામના ખોડિયાર માતાજીના મંદિર સંકુલ ખાતે પાછલા ૪૨ વર્ષ સુધી સંન્યાસી ધર્મનું પાલન કરીને કાલી માતાના પરમ ઉપાસક બનીને આસપાસના વિસ્તારોમાં લોકસેવા કરીને ‘સાદું જીવન એ જ સાધુ જીવન’ના ભેખધારી સ્વામી ગજાનંદપુરી ૮૬ વર્ષની વયે ગુરૂવારે સવારે દેવલોકગમન કરતા તેમના હજારો ભક્તોમાં ઘેરો શોક છવાયો હતો અને શુક્રવારે સવારે હજારો ભાવિકોના અંતિમદર્શન સાથે નાની કાનોડ સ્થિત સ્વામીના નિજ આશ્રમ ખાતે અગ્નિસંસ્કાર કર્યા હતા.

કાલોલ તાલુકાના નાની કાનોડ ગામને જ પોતાની કર્મભુમી બનાવતા સ્વામી ગજાનંદપુરીના પુર્વાશ્રમ અંગે તેમના અંગત ભાવિકોના જણાવ્યાનુસાર દિવંગત સ્વામી મુળ મહારાષ્ટ્રના પુણેના વતની એવા બ્રાહ્મણ હતા, તેમના મોટાભાઈ ફ્રાન્સમાં પ્રોફેસર હતા, પરિવારજનો ખાનગી હોસ્પિટલ પણ ધરાવતા હતા પરંતુ સ્વામી પોતે પુણે કોલેજમાં બીએસસી સ્નાતકનો અભ્યાસ કરતા હતા એ સમયે આત્મ પ્રેરણાએ ગૃહત્યાગ કરીને પુણેથી કોલકાતા ખાતેના રામકૃષ્ણ પરમહંસ આશ્રમ ખાતે કાલી માતાના ઉપાસક બનીને આજીવન બ્રહ્મચર્ય જીવનના માર્ગે સંન્યાસી જીવન અપનાવ્યું હતું. એ સમયે રામકૃષ્ણ પરમહંસ આશ્રમના સંન્યાસી ધર્મના વિધિવિધાનુસાર સ્વામી એક હજાર પરિક્ષાઓમાં પસાર થઈને દિક્ષા ગ્રહણ કરી પુર્ણ સંન્યાસી બન્યા હતા. એ સંન્યાસી ધર્મના માર્ગે ૧૯૭૫ના સમયમાં કોલકાતાથી પાવાગઢ કાલી માતાના શરણે આવ્યા હતા. એ અરસામાં સંન્યાસીઓ માટે શિવાભિષેક કરવાની અતિ કપરી ગણાતી નર્મદા પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. જે પછી ૧૯૭૮ના અરસામાં પાવાગઢથી નિત્ય વિચરણ કરતા એકવાર નાની કાનોડ ગામની સીમમાં આવેલા એક મહુડાના વૃક્ષ નીચે બેસીને કાલી માતાની ઉપાસના કરવાની ધ્યાનમુદ્રા લાગતા તત્કાલીન સમયે છ મહિના સુધી નિત્ય પાવાગઢથી નાની કાનોડ પગપાળા આવનજાવન કરતા અને સમાધિ લગાવતા સ્વામી સાથે સ્થાનિક લોકોના પરિચય થતાં સ્થાનિક લોકોએ પોતાના ગામમાં આવેલા ખોડિયાર માતાના સ્થાનક પાસે કુટિર બનાવીને રહેવાનો આગ્રહ કરતા ૧૯૭૯થી નાની કાનોડ ગામને જ પોતાની કર્મભુમી બનાવી હતી. જે જગ્યાએ ગામલોકોએ પછી માતાજીનું મંદિર અને સ્વામીનો આશ્રમ પણ બનાવી આપ્યો હતો. ગામલોકોના જણાવ્યા અનુસાર તત્કાલીન સમયે સ્વામી દર અઠવાડિયે પાવાગઢ કાલી માતાના દર્શને જતા હતા અને ઘણીવાર ગામના બાળકોને પણ દર્શન માટે લઈ જતા. ગામલોકોના જણાવ્યા મુજબ સ્વામી નિયમિત વહેલી સવારે ચાર વાગ્યે નિત્યકર્મ પરવારીને પોતાની માળા સાથે કાલીમાતાની નિત્ય ઉપાસના કરતા એ પછી જ અન્યકર્મો કરતા. આમ પાછલા ૪૪ વર્ષોથી નાની કાનોડ ગામને પોતાની કર્મભુમી બનાવીને આજીવન બ્રહ્મચારી, સંન્યાસીમય વિચરણ, નિષ્કામ લોકસેવાનો ભેખ ધારણ કરીને જીવનપર્યંત સંન્યાસી ધર્મનુ પાલન કરીને અનેક લોકોના જીવનને સારા માર્ગની દિશા ચીંધીને કાલોલ તાલુકા ઉપરાંત વડોદરા, પાટણ અને રાજસ્થાનના સાજોદ સુધી તેમના ભાવિકો તેમના દર્શનનો લાભ લેતા હતા.
આમ સંન્યાસી જીવનના યોગ સાથે ૮૬ વર્ષની વયે તાજેતરમાં ગણેશોત્સવ દરમ્યાન શીરડી સાંઈબાબાના દર્શન કરીને પરત ફર્યા પછી તેમની તબિયત નાદુરસ્ત થતાં ન્યુમોનિયાની અસર હેઠળ હાલોલ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા અંતે ગુરૂવારે સવારે નવ વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. જે ઘટના અંગે સ્વામીના પુણે સ્થિત પરિવારજનો અને ગુજરાત રાજસ્થાન સુધી સંપર્ક ધરાવતા ભક્તોને જાણ કરી આ વર્ષે જ ભાવિકો સમક્ષ વ્યક્ત કરેલી પોતાની અંતિમવિધિની ખેવના મુજબ ભાવિકોએ નાની કાનોડ સ્થિત સ્વામીના આશ્રમ ખાતે અંતિમ દર્શનને અંતે શુક્રવારે બપોરે સ્વામીની અંતિમયાત્રાની પ્રદક્ષિણા કરીને વિધિવત્ રીતે આશ્રમના પટાંગણમાં જ અગ્નિસંસ્કાર કર્યા હતા અને દિવંગત સ્વામીના અંતિમ સંસ્કારના દર્શન માટે હજારો ભાવિકો સાથે કાલોલ તાલુકાના રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નાની કાનોડ ગામના ભાવિકોના જણાવ્યા મુજબ સ્વામીજી એક હરતું ફરતું દવાખાનું હતા. તેમના પરિવારમાંથી મળેલા તબીબીના જ્ઞાન મુજબ ગામના દરેક વ્યક્તિને સામાન્ય બિમારીના ઇલાજની દવા સ્વામીજી પાસે ચોવીસ કલાક મળી રહેતી હતી. તદ્ઉપરાંત સ્વામીજીને ગામની બાલ કુંવારીકાઓ સાથે ઘણો લગાવ હતો, સ્વામીના પગ ચાલ્યા ત્યાં સુધી દર વર્ષે ગૌરી વ્રતના દિવસોમાં ગામમાં વ્રત કરતી કન્યાઓને પાવાગઢ કાલી માતાના દર્શને લઈ જવાનો અને વ્રત કરતી કન્યાઓ માટે ભંડારો કરવાનો નિર્ધાર હતો જે તેમને આજીવન પાડ્યો હતો તેથી દેહ છોડયાની જાણકારીને પગલે ગામની પરણિત એવી દરેક દિકરીઓએ સ્વામીની અંતિમયાત્રામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here