કાલોલમાં સોમવારે મોડી રાત્રે એક એડવોકેટ કોરોના સંક્રમિત બનતા વકીલ આલમમાં ખળભળાટ : શહેરમાં કુલ ૨૭ કેસો નોંધાયા.

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ શહેરમાં પાછલા શનિ-રવિએ કોરોના વિસ્ફોટને ધોરણે બે દિવસમાં સાત કોરોના પોઝીટીવ કેસો ફુટી નીકળ્યા હતા પરંતુ સોમવારે દિવસ ભરના વિરામ બાદ માંડી સાંજે નવાપુરા વિસ્તારમાં એક વકીલ સંક્રમિત જાહેર થયા હતા. કાલોલ શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા અને ગોધરા ખાતે અંકલેશ્વર મહાદેવ રોડ પર એડવોકેટની ઓફિસ ધરાવતા વિજયભાઈ પાઠક(ઉ.વ ૪૬ )નામના વકીલને પાછલા સપ્તાહે થયેલી શરદી-ખાંસીની અસરને પગલે તેમને વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આમ કાલોલ શહેર અને ગોધરા કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા એક એડવોકેટ કોરોના સંક્રમિત બનતા કાલોલ અને ગોધરાના વકીલ મંડળમાં ખળભળાટ મચી ગયો હતો.

તસવીર : કાલોલ શહેરમાં નવાપુરા સ્થિત વકીલ કોરોના પોઝીટીવ બનતા નવાપુરામાં કામગીરી હાથ ધરતુ તંત્ર તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.

તદ્ઉપરાંત બીજી તરફ કાલોલ શહેરમાં અગાઉ કોરોના હોટસ્પોટ બનેલા અને બે કન્ટેનમેન્ટ ઝોન ધરાવતા નવાપુરા વિસ્તારમાં પાછલા બે-ત્રણ સપ્તાહના વિરામ બાદ ફરી એકવાર નવાપુરામાં રહેતા વકીલ સંક્રમિત બનતા નવાપુરામાં પણ પુનઃ ફફડાટ ફેલાયો હતો. જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વકીલની આસપાસના વિસ્તારોમાં વધુ એક કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે કાલોલ શહેરમાં કોરોના કેસો વધીને કુલ ૨૭ કેસો સાથે ૩ મોત, ૧૧ ડિસ્ચાર્જ મુજબ હાલમાં ૧૩ જેટલા કોરોના પ્રભાવિત દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here