કાલોલના બાકરોલ ગામની કરાડ નદીમાં સતત સાતમા વર્ષે પણ આવ્યો પ્રદુષિત કેમીકલ્સ ફીણનો પુર : જવાબદાર તંત્રનું અભેદ મૌન..!!

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

છેલ્લા સાત વર્ષથી જવાબદાર તંત્ર નદીને પ્રદુષિત કરનારાઓની તપાસ કરી રહ્યું છે… પરંતુ આજદિન સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું…!!

કાલોલ તાલુકાના બાકરોલ ગામના સીમાડે વહેતી કરાડ નદીમાં પાછલા બે દિવસથી માફકસર વરસેલા વરસાદને પગલે શુક્રવારે સવારે નદીમાં આવેલા નવા નીર સાથે નદી પટમાં ઠાલવેલા કેમીકલ વેસ્ટને કારણે બાકરોલ ગામના નદીના કોઝવે પાસે નદી પટમાં કેમીકલ ફીણના ગોટેગોટા પણ ઉમટી પડ્યા હતા. બાકરોલ ગામના નદી પટના આ વિસ્તારમાં પાછલા સાત વર્ષોથી દર વર્ષે આ સમસ્યા વકરતી જાય છે, દર વર્ષે સ્થાનિક પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવે છે અને દર વર્ષે જવાબદાર તંત્ર દ્વારા કેમીકલના સેમ્પલો લેવામાં આવે છે પરંતુ એ નદીમાં પાણી વહી જાય છે એમ તંત્રની કાર્યવાહીના દિવસો વીતી જાય છે પરંતુ નદીના પટ અને પર્યાવરણને દર વર્ષે નુકસાન કરતી મુળ સમસ્યા યથાવત જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે બાકરોલ ગામની આ નદી પટના ઉપરના ભાગમાં ભુવરનું નાળુ ઠલવાય છે અને નાળામાં હાલોલ જીઆઇડીસીમાં આવેલી અનેક કંપનીઓ દ્વારા તેમના કેમીકલ્સ વેસ્ટ ઠાલવવામાં આવે છે. જે નાળા દ્વારા સમગ્ર કેમીકલ વેસ્ટ કરાડ નદીમાં ઠલવાય છે જેને પરિણામે દર વર્ષે નદીમાં ફીણના ગોટાઓ સર્જાય છે. તદ્ઉપરાંત નાળા ઉપર આવેલા સમગ્ર ભુસ્તર વિસ્તારના કુવા અને બોરના પાણી પણ પ્રદુષિત હોવાની જવાબદાર તંત્રને અસરગ્રસ્ત ગામોની અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ નાળાની સમસ્યા અને નાળામાં કેમીકલ વેસ્ટ ઠાલવતી કંપનીઓને શોધવામાં અને શોધીને જવાબદાર કંપનીઓ સામે અસરકારક પગલાં લેવામાં સાંઠગાંઠ કરી લેતા તંત્ર વિરુદ્ધ આજે ફરી એકવાર અસરગ્રસ્ત લોકોએ રોષ વ્યક્ત કરી તંત્રની ભુમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here