ઉનાળાના પ્રારંભ સાથે સિદ્ધપુરમાં લીંબુના ભાવમાં ૧૦ થી ૧૫ ટકા વધારો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

લીંબુનો રસ હવે ખટાશ પકડી રહ્યો છે ઉનાળાની આકરી ગરમી માં રાહત મેળવવા માટે માંગ વધતા લીંબુના ભાવમાં વધારો ઝીંકાય છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળો જામતા શહેર ની મુખ્ય શાકમાર્કેટમાં હોલસેલ વેચાણ માં લીંબુ ના ભાવમાં એકાએક ૧૦ થી ૧૫ ટકાનો ઉછાળો આવતા મધ્યમવર્ગીય પરિવારોના ચહેરા ખાટા થઈ ગયા છે.જ્યારે શહેર ના ઝાપળીપોળ,મંડીબજાર સહિતના સ્થાનિક બજાર માં છૂટક વેચાણ કરતા શાકભાજીના લારીઓ વાળા મનફાવે તેવા ઊંચા ભાવે લીંબુનું વેચાણ કરી રહ્યા છે.આથી આમપ્રજા ને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. લીલા શાકભાજીની માર્કેટ માં જેનું સૌથી વધુ મહત્વ રહેલુ છે તેવા લીંબુના ભાવ દર વર્ષે કાળઝાળ ઉનાળા ની ઋુતુ દરમિયાન સડસડાટ રીતે આસમાને આંબી જતા હોઈ સ્વાદિષ્ટ રસોઈનો સ્વાદ ફિક્કો પડી જતો હોય છે.રસોઈને વધુ ટેસ્ટફૂલ બનાવવામાં સિંહફાળો આપતા સ્વાસ્થ્યવર્ધક લીંબુ સામાન્ય રીતે બારેમાસ આસાનીથી મળી રહે છે. જેના ઉપયોગ વગરના દાળ,શાક ફિકકા લાગે છે તેવા લીંબુના ભાવ સ્થાનિક શાકમાર્કેટોમાં એકાએક આસમાને પહોંચી જતા લીંબુનો રસ ખટાશ પકડી રહ્યો છે.આજે સિદ્ધપુર માર્કેટ માં ૨૦ કિલો લીંબુ નો હોલસેલ ભાવ ૧૮૦૦ થી ૨૦૦૦ પડ્યો હતો.દર વર્ષે ઉનાળા દરમિયાન છાસવારે લીંબુ ના ભાવ વધી રહ્યા હોય ઓછા ભાવે લીંબુ મેળવવા ગૃહિણીઓ શાકમાર્કેટમાં ચોતરફ રઝળપાટ કરતી નજરે ચડતી હોય છે.હાલ લીંબુના ભાવ ઉંચે જતા લીંબુ અને શાકભાજી ના છુટક વિક્રેતાઓને રોજીંદા ગ્રાહકો અને ગૃહિણીઓની સાથે રીતસરની લમણાઝીંક કરવાનો વખત આવ્યો છે.લીંબુના ભાવ હોલસેલમાં વધતા તેની લીંબુ આધારીત અન્ય ગૃહઉદ્યોગો પર પણ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અસર થઈ રહી છે.ઉનાળા ના ધોમધખતા તાપમાં લીંબુની આવક વધી જતી હોય છે.માંગ ની સામે લીંબુની આવક ઓછી હોય આ ઉપરાંત બજારમાં કુત્રિમ અછત ઉભી થતી હોય ત્યારે ડિમાન્ડ વધતા લીંબુના ભાવમાં અસહ્ય વધારો ઝીંકાય છે.લીંબુના ભાવ વધતા કાળઝાળ ઉનાળામાં શીતળતા બક્ષતા લીંબુ સરબત અને લીંબુસોડાના ગ્રાહકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ જતો હોય છે.જેના કારણે ધંધાર્થી ઓને પણ આર્થિક નુકશાન વેઠવાનો વખત આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here