આઝાદી કા અમૃત મહોત્સવ જિલ્લા સરકારી પુસ્તકાલય, ગોધરા ખાતે આઝાદી વિષયક અને શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનું પ્રદર્શન યોજાયું

ગીધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો, વાચકોના લાભાર્થે લાઈબ્રેરીની સુવિધાઓમાં વધારો કરવા તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું

વાચકોને આ પ્રદર્શનની મુલાકાત લઈ ઉત્તમ પુસ્તકોનો પરિચય મેળવવા અપીલ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે હેઠળ આજે સરકારી જિલ્લા પુસ્તકાલય, ગોધરા ખાતે આઝાદી વિષયક અને રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તકોનું અનોખું પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાએ આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે પુસ્તકાલયો માત્ર પુસ્તકોનો નહીં પણ પુસ્તકોમાં ધરબાયેલા જ્ઞાનનો સંગ્રહ છે. વ્યક્તિએ સતત નવું શીખવા માટે અને વિકસતા રહેવા માટે નવા વિચારો, નવા દ્રષ્ટિકોણો અને નવી કલ્પનાઓ વિશે જાણતા રહી પોતાના જ્ઞાનમાં સતત વૃદ્ધિ કરવી પડે છે અને પુસ્તકો તેમ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.  વ્યક્તિત્વ વિકાસ માટે વાચન અને પુસ્તકોના મહત્વ પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે વાચન પ્રવૃતિને પ્રોત્સાહન આપવા અને પુસ્તકાલયોમાં ઉત્તરોત્તર વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટીતંત્ર પ્રયાસશીલ છે. વાચકોની સુવિધા માટે ગોધરા ખાતેના પુસ્તકાલયનાં વિસ્તૃતીકરણ અંગે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. એક સારૂ પુસ્તક વ્યક્તિનું જીવન બદલી નાંખવા સક્ષમ છે ત્યારે જિલ્લા સરકારી પુસ્તકાલય દ્વારા આઝાદી વિષયક અને ગુજરાતના પનોતા પુત્ર એવા રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનાં પ્રદર્શનને અતિ સુંદર પહેલ ગણાવતા જિલ્લા સમાહર્તાશ્રીએ આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આઝાદીના લડવૈયાઓ અને તેમનાં સંઘર્ષ વિશે, લડતનાં વિવિધ પાસાઓ અને મહત્વપૂર્ણ બનાવો વિશે પ્રદર્શિત પુસ્તકોનાં માધ્યમથી સામાન્યજનો વધુ ઉંડાણથી જાણશે અને નાગરિકોમાં દેશપ્રેમના વિચારો વધુ દ્રઢ થશે તેમ ઉમેર્યું હતું. ગોધરા નગરપાલિકા પ્રમુખશ્રી સંજયભાઈ સોનીએ પ્રાસંગિક પ્રવચન કરતા લાઈબ્રેરીના સભ્યો અને વાચકોને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ મહાનુભાવો સાથે પ્રદર્શનની મુલાકાત લઈને પ્રદર્શિત પુસ્તકો રસપૂર્વક નિહાળ્યા હતા તેમજ ગ્રંથાલયના અધિકારીઓ સાથે વાચન પ્રવૃતિઓને વેગ મળે તેવી પ્રવૃતિઓ અંગે ચર્ચા-વિમર્શ કર્યો હતો. આ પ્રસંગે મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી જે.કે. ચૌધરી, ગ્રંથપાલ સુશ્રી વિદ્યાબેન ભમાત, લાઈબ્રેરીના સભ્યો તેમજ વાચનપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રસ ધરાવતા સુજ્ઞજનોને ગોધરા ખાતે આ પ્રદર્શનની 28 અને  29 ઓક્ટોબરના રોજ સવારે 11.00 થી સાંજે 18.00 કલાક સુધી મુલાકાત લેવા ગ્રંથપાલશ્રીએ આગ્રહભરી વિનંતી કરી હતી.    

*કલેક્ટરશ્રીએ પોતે ઉદઘાટન કરવાના બદલે 1974થી લાઈબ્રેરીના સભ્ય રહેલાશ્રી પંકજભાઈ શાહના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાવ્યું…
જિલ્લા સરકારી પુસ્તકાલય, ગોધરા ખાતે યોજાયેલ  આ પ્રદર્શનનું ઉદઘાટન જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા કરવાના હતા, પરંતુ સમગ્ર કાર્યક્રમને વાચકો માટેનો ગણાવતા કલેક્ટરશ્રીએ ઉદઘાટન પણ આ લાઈબ્રેરીના 50 વર્ષથી સભ્ય અને પીઢ વાચક એવા શ્રી પંકજભાઈ શાહના હસ્તે કરાવવાનો આગ્રહ કર્યો હતો. શ્રી પંકજભાઈએ જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રિબીન કાપી પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. જિલ્લા સમાહર્તાશ્રી સમગ્ર કાર્યક્રમમાં વિશેષ રસ લઈને એક વાચકની માફક તમામ પુસ્તકો રસપૂર્વક નિહાળ્યા હતા અને વિવિધ પુસ્તકો બાબતે ચર્ચા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ શ્રી પંકજભાઈ શાહ સહિતના વાચકો સાથે પણ આ પ્રસંગે સંવાદ કર્યો હતો અને લાઈબ્રેરી અને વાચન પ્રવૃતિનાં વિકાસ અર્થે શક્ય પ્રવૃતિઓ વિશે ચર્ચા-વિચાર કર્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here