સિધ્ધપુરના શિવ મંદિરો અને ભૂદેવોના ઘરોમાં બિલિપત્ર પહોંચાડતો લાલપુરનો ભીલપરિવાર

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર(બિલી)અર્પણ કરવાનું એક અનેરું મહત્વ છે.આથી સમગ્ર ભારતવર્ષ ની જેમ જ ધાર્મિક નગરી સિદ્ધપુરમાં પણ પવિત્ર શ્રાવણ માસ દરેક શિવાલયોમાં બિલ્વપત્રનો મોટી માત્રામાં ઉપયોગ થાય છે.ત્યારે સિદ્ધપુરના શિવ મંદિરોમાં બિલીપત્ર પહોંચાડવાનું ભગીરથ કાર્ય લાલપુર મુકામે રહેતો મોનાજી ભીખાજી ભીલનો પરિવાર કરે છે.તેમનો પરિવાર સવારે સાત વાગે ઉઠી બનાસકાંઠાના જંગલો,સિધ્ધપુર આસ- પાસના ગામડા તેમજ નદી વિસ્તારમાં જ્યાં બીલીપત્ર ના ઝાડ ઉગ્યા હોય ત્યાંથી રોજ બપોર સુધીમાં લાવીને તેને ધોઈ સાફ કરી,મોટી ડાળીઓમાંથી ત્રણ,પાંચ, સાત એમ એકી સંખ્યાના જૂથમાં બિલિપત્રોને અલગ કરી આગળના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં શિવમંદિરો સહિત સિદ્ધપુર માં કેટલાય ભુદેવના ઘરે પહોંચતી કરે છે.પત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે શિવને બિલીપત્ર અર્પણ કરવા માટેના કડીરૂપ કામમાં અત્યારે મોનાજી ભીલના પત્ની શાંતાબા,દીકરી ઢબુબેન, પ્રધાનજી, આશિષ,નવીન,અરૂણ ભાઇ તેમજ ગામના શિવભકતો શ્રદ્ધાપૂર્વક જોડાઈ અનોખી રીતે શિવ ભકિત કરી ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે.આ અંગે ઢબુબેને જણાવે છે કે તેઓ રોજ આશરે ૩૫૦૦૦ બિલી દરેક મંદિરો માં પહોંચતી કરે છે. તેમના દાદા ભીખાજી ગાયકવાડ સરકાર વખતે બાવાજીની વાડીમાં આવેલા સિધ્ધનાથ મહાદેવ ના ચોકિયાત હતા ત્યારે તેમણે પ્રણ લીધું હતું કે હું અને મારો પરિવાર પેઢી દરપેઢી સિદ્ધપુરના શિવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવજીને અતિપ્રિય એવી બિલી પહોંચાડીશું.ત્યારથી અવિરતપણે શ્રાવણમાસ માં અમો પરિવારવાળા દરેક શિવમંદિરોમાં બીલી પત્ર પહોંચાડીએ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here