સિદ્ધપુર શહેરમાં અમુલ દૂધ-છાશના ગ્રાહકો સાથે કરાતી છેતરપિંડી…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

શહેર મધ્યે તેમજ હાઈવે વિસ્તારમાં વહેલી સવારથી મોડીરાત સુધી ખુલ્લું રહે તેવું ડેરી અધિકૃત પાર્લર શરૂ કરવા લોકમાંગ.

મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા ગ્રાહકોને મૂળ કિંમતે ૨૪ કલાક દૂધ-છાસ મળી રહે તે માટે સિદ્ધપુરમાં સુંદર વ્યવસ્થા કરી છે.પરંતુ તેમ છતાંય સિદ્ધપુર શહેરમાં સફેદ દૂધનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે.ત્યારે ડેરીના માર્કેટિંગ વિભાગની કામગીરી સામે એનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રવર્તમાન સમયે લોકોને સવાર બાદ આખો દિવસ ફરજિયાત વધારે રૂપિયા આપી દૂધ-છાસ લેવા મજબૂર બનવું પડી રહ્યું છે. આવા બિનકાયદેસર પાર્લર વાળા વેપારીઓ અને કેટલાક ઘરોમાં દૂધનો કાળો કારોબાર કોની મહેરબાની થી થઈ રહ્યો છે તે આમ પ્રજા પૂછી રહી છે.. કાળા બજારની લ્હાય માં દૂધ-છાસનો જથ્થો દુધકેન્દ્ર માંથી બપોર પડે તે પહેલા જ લઈ લેવાય છે…આથી દૂધ કેન્દ્રમાં જલ્દી જથ્થો પૂરો થઈ જાય છે…અને બાદમાં આવા કાળાબજારી ઓ મનફાવે તેમ ગ્રાહકોને સરેઆમ લૂંટતા હોય છે. એમાંય વધારે રૂપિયા લઈને જૂની તારીખની દૂધ-છાસ ની થેલીઓ ગ્રાહકોને પરાણે પધરાવતા હોય છે.!! જો બાદમાં કોઈ રાડ-ફરિયાદ હોય તો સાંભળતા પણ નથી.અહીં પ્રશ્ન એ થાય કે ગ્રાહકોને ક્યાં સુધી વધુ રૂપિયા આપવા મજબૂર બનવું પડશે ?કોરોના મહામારીમાં એક તરફ લોકોની આર્થિક સ્થિતી કફોડી બની છે ત્યારે સિદ્ધપુરમાં સફેદ દૂધ-છાસ નો કાળો કારોબાર અટકે તે જરૂરી છે.આ બાબતે દૂધસાગર ડેરી તેના બહોળા ગ્રાહક સમૂહના હિતમાં સત્વરે કોઈ નક્કર પગલાં ભરે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર ના એક દૂધ કેન્દ્રમાં બપોર સુધીમાં જથ્થો પૂરો થઈ જાય છે તેમ કહેવાય છે તો આ જ દૂધકેન્દ્ર પર બીજા દિવસે જૂની તારીખની દૂધ ની થેલીઓ વહેલી સવારે જ ગ્રાહકોને કેવી રીતે પધરાવવામાં આવે છે તે બાબતે પણ યોગ્ય તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here