સિદ્ધપુરમાં આસો સુદ ચોથથી પૂનમ સુધી ગરબા રમવાની વર્ષોજુની અનોખી પરંપરા

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

આસો સુદ ચોથના રોજ ગણપતિદાદાની પલ્લી ભરાયા બાદ ગરબા ગાવાની શરૂઆત કરાય છે.. આ ઉપરાંત ભરાતી અનેક પલ્લીઓનું અનેરું મહત્વ..

ધાર્મિક નગરી સિદ્ધપુરમાં નવરાત્રી પર્વની ઉજવણી ધાર્મિક આસ્થા સાથે ભક્તિપૂર્ણ રીતે કરવામાં આવે છે.સિદ્ધપુર તળમાં વર્ષોથી આસો સુદ ચોથના દિવસે ગણપતિ દાદાની પલ્લી ભરાયા બાદ નવરાત્રિના ગરબા ગાવાની પરંપરા છે જે આજેય જળવાઈ રહી છે.નવરાત્રિ માં ભક્તજનો ભક્તિરસ તેમજ ગરબામાં મગ્ન બનતા હોય છે.ગુજરાત સહીત સમગ્ર દેશમાં શારદીય નવરાત્રીપર્વ આસો સુદ એકમ થી નોમ સુધી નવરાત્રિ પર્વ ઉજવાતો હોય છે પરંતુ ઐતિહાસીક નગરી સિદ્ધપુરમાં આસો સુદ ચોથ થી પૂનમ (શરદપૂનમ) સુઘી માતાજી ના ગરબા ગાવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.આજના ક્લબ હાઉસ તેમજ પાર્ટી પ્લોટ અને ડીજે કલચરની ઝાકમઝોળમાં પણ આ ધાર્મિક નગરીમા પ્રાચીન શેરીગરબાની સાંસ્કૃતિક પરંપરા અકબંધ જળવાયેલી જોવા મળે છે.

સિધ્ધપુરમાં શેરી મહોલ્લામા,અંબાવાડીમા તેમજ સોસાયટીઓમાં યુવકમંડળ,મહિલામંડળો દ્વારા અદ્દભુત પ્રાચીન શેરી ગરબાનું આયોજન કરીને નવરાત્રીના નવ દિવસ સુધી નવદાભક્તિ થકી ઉલ્લાસ ના પર્વને માં અંબાના સાન્નિધ્યમાં ઉજવતા હોય છે.અહીં ખેલૈયાઓ સહિત નગરજનો ગરબાની સાથો સાથ રાત્રે નિઃશુલ્ક અલ્પાહારના જ્યાફતની મોજ માણતા હોય છે. શરદપૂર્ણિમાના દિવસે માતાજીનો થાળ કરવામાં આવે છે જેમાં લોકો એક જ પંગતમાં બેસીને માતાજીના પ્રસાદરૂપી ભોજનનો લાભ લેતા હોય છે અને શરદપૂર્ણિમાની રાત્રીએ સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના શીતળ અજવાળામાં મધ્યરાત્રિએ દુધ-પૌવાના પ્રસાદ લેવાના આગવા મહત્વને પણ જાળવવામાં આવે છે.

આ ધાર્મિકનગરીમાં નવરાત્રી દરમિયાન ભરાતી પલ્લી ઓનું પણ એક આગવું મહત્વ રહેલું છે.જેમાં સુદ ચોથના દિવસે કાળાભટ્ટના મહાઢ પાસે ગણપતિદાદા ની પલ્લી,પાંચમના દિવસે જડીયા વીરદાદાની પલ્લી, છઠના દિવસે સીકોતરમાતા ની પલ્લી,સાતમે કનકેશ્વરી માતાની પલ્લી,આઠમે સહસ્ત્રકળા માતાજીની પલ્લી (જ્યાં આજેય પાણીમાં પૂરીઓ તળીને માતાજીને નિવેદ્ય થાય છે), ચૌદશના દિવસે ખડાલીયા હનુમાનદાદાની પલ્લી પરંપરાગત રીતે ભરવામાં આવે છે.જેમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઊમટતા હોય છે.આથી લોકમેળા જેવો માહોલ સર્જાતો હોય છે.આ ઉપરાંત કાળીચૌદસ ના દિવસે જૂની વહોરવાડ માં આવેલ પ્રાચીન છબીલા હનુમાન દાદાની પલ્લી ભરાય છે.નવરાત્રી પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલિસતંત્ર દ્વારા સઘન રાત્રીપેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here