સિદ્ધપુરના આઈઓસી (તાવડીયા)સર્કલથી અંડર પાસ સુધીના ઉબડખાબડ રસ્તાથી વાહનચાલકો સહિત રાહદારીઓ ત્રાહિમામ્….

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના આઈઓસી (તાવડિયા)સર્કલથી રેલ્વૅ અંડરબ્રિજ સુધીનાં ખખડધજ અને ઉબડ-ખાબડ રસ્તાથી વાહન ચાલકો સહિત રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.આ રસ્તાને આશરે ૭૦ ફૂટ જેટલો પહોળો કરી તેનું નવીનીકરણ કરવા માટે વચ્ચે આવતા નડતરરૂપ વર્ષો જુના ૧૦ જેટલા મકાનો તેમજ ૩૦ જેટલી દુકાનોના દબાણો પાલિકા તંત્રએ હટાવ્યા ત્યારથી હાલ સુધી આ રસ્તાના નવીનીકરણનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી વાહનચાલકો સહિત રાહદારીઓને પારાવાર હાડમારીઓ વેઠવી પડી રહી છે.આ ભંગાર હાલત અને ઉબડખાબડ રસ્તાના કારણે વાહનચાલકો રાહદારીઓને આ રસ્તો પસાર કરવો શિરદર્દ સમાન બની ગયો છે.આમ છતાંય નઘરોળ પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. ઉપરાંત આ રસ્તા ઉપર જ આવેલા શાકભાજી માર્કેટ આગળ વહેલી સવારે શાકભાજી લે-વેચ કરવા આવતા ખેડૂતો અને વેપારીઓ દ્વારા પોતાના વાહનો જાહેર રસ્તા ઉપર જ આડેધડ પાર્કિગ કરી દેવાતા હોઈ અસંખ્યવાર જટિલ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. ટ્રાફિક જામ ના વિકટ સમયે પોલીસ કે એપીએમસીના સિક્યુરિટી ગાર્ડ પણ જોવા મળતા હોતા નથી.! આથી વાહનોની લાંબી કતારો લાગી જવા પામતી હોય છે.એપીએમસી માર્કેટ સામે ના રસ્તા ઉપર બાકી રખાયેલ ડિવાઈડર સત્વરે બનાવી અહીંના દુકાનદારો દ્વારા કરાયેલ દબાણો દૂર કરવામાં આવે તે જરૂરી છે. પ્રવર્તમાન સમયે આ રોડ ઉપર મસમોટા ખાડાઓ, ઉખડેલી કપચી,મેટલ અને રેત-માટીની ઊડતી ડમરી ઓને કારણે વાહનચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિક વેપારીઓનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે.આ રસ્તાની બન્ને સાઈડો ઉપર બિન્દાસ ઉભા રહેતા લારીઓ વાળા,ફૂટના ટેન્ટવાળાઓ તેમજ આડેધડ પાર્ક કરાતા વાહનો થકી સાંકડા બની ગયેલા આ રસ્તાને પસાર કરવો વાહનચાલકો, રાહદારીઓને માટે અભિમન્યુના સાત કોઠા પાર કરવા સમાન બની જવા પામ્યો છે.આમછતાય પોલીસ અને નગરપાલિકા તંત્ર મુકપ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. આઈઓસી (તાવડીયા)સર્કલ તરફ જવાના માર્ગ ઉપર બનાવાયેલી ફૂટપાથ ઉપર તો કેટલાક પાકા દબાણો બનાવી ફૂટપાથ પર કબજો જમાવી દીધો હોવાથી રાહદારીઓને નાછૂટકે જીવ ના જોખમે રસ્તા પર જ ચાલવાની ફરજ પડી રહી છે.આથી પાલિકા અને પોલીસતંત્ર દ્વારા સહિયારીઇ ટ્રાફિક ડ્રાઈવ યોજી આ રસ્તા ની બન્ને બાજુના દબાણો કાયમી ધોરણે હટાવાય તેમજ દિવસભર આડેધડ પાર્ક કરાતા વાહનો સામે પોલીસતંત્ર લાલ આંખ કરે તે જરૂરી છે.તદઉપરાંત પાલિકાતંત્ર દ્વારા આ રસ્તાનું નવીની કરણ કાર્ય ઝડપથી પૂર્ણ કરી વાહનચાલકો, રાહદારીઓ સહિત નગર-જનો માટે આ રસ્તાને ખરા અર્થમાં લોકભોગ્ય બનાવે તે ઈચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here