બનાસકાંઠા : કાંકરેજ બેઠક પર “આપ”ના સંભવિત ઉમેદવારોમાં મુકેશભાઈ ઠક્કરનું નામ મોખરે આવતા સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ…

કાંકરેજ, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ભારતીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરાતા જ ગુજરાતના રાજકીય ગલીયારોમાં માહોલ ગરમાઈ ગયો છે, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ એમ બે પક્ષો વચ્ચે સીધે સીધો રાજકીય જંગ જામતો હતો પરંતુ આવનાર વિધાનસભા ની ચૂંટણી પહેલા એક મજબુત ત્રીજા વિકલ્પ રૂપે આમ આદમી પાર્ટીએ પ્રસ્થાન કરતા રાજ્યના રાજકારણમાં ઉથલ પાથલ મચી ગઈ છે.. અને રાજ્યની કેટલીય એવી બેઠકો છે કે જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા સંભવિત ઉમેદવારોના નામો ચર્ચામાં આવતા ભાજપ તેમજ કોંગ્રેસ માટે એ સીટો પર મહેનત વધી છે.. જેમાં બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક હાલ ખુબજ ચર્ચાના સ્થાને મોખરે હોવાની વાત સંભળાઈ રહી છે..

બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી તરફે સંભવિત ઉમેદવારોમાં હાલ મુકેશભાઈ ઠક્કરનું નામ અગ્રેસર હોવાની વાત જાણવા મળી છે, મુકેશભાઈ ઠક્કર છેલ્લા ૨૫ વર્ષથી ભાજપાના સક્રિય કાર્યકર તરીકે લોકસેવામાં જોતરાયેલા હતા.. તેઓ કાંકરેજ તાલુકાના રાનેર ગામના વતની હોવા છતાં સમાજ સેવાની દ્રષ્ટિએ સમસ્ત કાંકરેજ તાલુકામાં સેવા આપતા રહ્યા છે.. તેમજ તેઓ એક પ્રખર ગૌ ભક્ત હોવાથી ગૌ સેવાના કાર્યમાં હંમેશા તન મન ધનથી ફ્રન્ટ લાઈનમાં ઉભા હોય છે, જેના કારણે આજે સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા મુકેશભાઈ ઠક્કરને ખુબજ માન સન્માનની નજરે આવકાર આપી રહી છે.

થોડા સમય અગાઉ ગૌ સેવાને લઈને સમગ્ર રાજ્યમાં આંદોલન સ્વરૂપે વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં બનાસકાંઠાના ગૌ શાળા સંચાલકો સહિત ગૌ ભક્તોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સરકારી કચેરીઓના કમ્પાઉંડમાં ગાયોને છીડી મૂકી હતી, એના પહેલા જ મુકેશભાઈ ઠક્કરે વિચારી લીધું હતું કે જે રાજકીય પક્ષ સતત 27 વર્ષથી સત્તામાં હોવા છતાં માનવીઓના હિત માટે તો કઈજ ના કરી શક્યું પરંતુ અબોલા પશુઓને બે ટંક ઘાસચારો આપવામાં પણ નિષ્ફળ સાબિત થયું હોય તો એવા રાજકીય પક્ષ સાથે રહીને ભગવાન ના ઘરનો ગુન્હેગાર ના બની શકાય… જેથી મુકેશભાઈ ઠક્કરે આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઇ ભાજપાને રામ રામ કરી દીધું હતું અને આમ આદમી પાર્ટીની સાવરણી હાથમાં પકડી સમાજમાં પ્રસરાઈ રહેલ ગંદકીને જળ મૂળમાંથી સાફ કરવાની નેમ લીધી હતી…

હાલ મુકેશભાઈ ઠક્કર અરવિંદ કેજરીવાલના ગેરંટી કાર્ડને લઈને કાંકરેજ વિધાનસભા મતક્ષેત્રમાં ફરી રહ્યા છે.. અને દિલ્હી તેમજ પંજાબમાં આપની સરકાર જનહિતમાં કઈ રીતે કામ કરી રહી છે તથા જનતાના રૂપિયા ઈમાનદારી પૂર્વક જનતાના હિત પાછળ કઈ રીતે ખર્ચ કરવામાં આવી રહ્યા છે એની સમજણ આપી રહ્યા છે… જ્યારે કાંકરેજ વિધાનસભા મત વિસ્તારની જનતા પણ મુકેશભાઈ ઠક્કરને આવકાર આપી સરા જાહેર આશિર્વાદ આપી રહી છે અને મુકેશભાઈ ઠક્કર આમ આદમી પક્ષ તરફે ઉમેદવારી કરે એવી લોક ચાહના દર્શાવી રહી છે, જેના કારણે હાલ કાંકરેજ મત વિસ્તારના રાજકીય માહોલમાં વધુ એક ધરખમ નેતા તરીકે મુકેશભાઈ ઠક્કરનું નામ ચર્ચામાં આવી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here