પંચમહાલ જીલ્લામાં આવેલ તમામ અસંગઠીત શ્રમયોગીઓની નોંધણી કરવાનો જીલ્લા વહીવટી તંત્રનો લક્ષ્યાંક…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઈ-ગ્રામ સેન્ટર, કોમનસર્વિસ સેન્ટર તથા FPS ઓપરેટર્સ દ્વારા અસંગઠીત ક્ષેત્રનાં 1.30 લાખ શ્રમયોગીઓને વિમા યોજના હેઠળ આવરી લેવાયા

અસંગઠીત ક્ષેત્રના તમામ શ્રમયોગીઓને વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડની સુવિધા

રજીસ્ટ્રેશન માટે બેન્ક પાસબુક, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબર સાથે હાજર રહેવું

ઇ-શ્રમ કાર્ડ ધારકને અકસ્માતે મુત્યુનાં કિસ્સામાં બે લાખ તથા અપંગતાના કિસ્સામાં એક લાખની વીમાની રકમ મળવાપાત્ર

કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રનાં તમામ શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા બક્ષવાના હેતુથી વિનામૂલ્યે વીમા યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ઇ-શ્રમ કાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,જે માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ડેટાબેઝ ઓફ અનઓર્ગેનાઇઝ્ડ વર્કર્સ (NDUW) પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ, નાના દુકાનદારો, આશાવર્કર્સ, આંગણવાડી વર્કસ, દૂધ મંડળી સાથે સંકળાયેલા શ્રમયોગીઓ, માછીમારો, ફેરીયાઓ, સ્વ.રોજગાર ધરાવતા શ્રમયોગીઓ, ખેત શ્રમિકો સહિત જે શ્રમયોગીઓના પ્રોવિડન્ડ ફંડ કપાતા નથી અથવા ઇન્કમ ટેક્ષ ભરવાપાત્ર નથી તેવા તમામ શ્રમયોગીઓની અસંગઠીત શ્રમયોગી તરીકે નોંધણી કરી ઇ-શ્રમ કાર્ડ આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. પંચમહાલ જીલ્લામાં તમામ ઇ-ગ્રામ ઓપરેટર્સ તથા કોમન સર્વિસ સેન્ટરના ઓપરેટર તથા સસ્તા અનાજની દુકાન પર કાર્યરત FPS ઓપરેટર દ્વારા નોંધણીની કામગીરી ચાલુ છે. તેમનાં સંયુક્ત પ્રયાસોથી અસંગઠિત ક્ષેત્રનાં 1.30 લાખથી વધુ શ્રમયોગીઓને આ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. જિલ્લાનો 100 દિવસનો લક્ષ્યાંક 1.28 લાખ કાર્ડની નોંધણીનો હતો, જે સમયમર્યાદા કરતા પહેલા પૂરો કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં મહત્તમ વસ્તીને આ યોજનામાં આવરી લેવા માટે જિલ્લા વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ કાર્યરત ઇ-ગ્રામ ઓપરેટર્સ તથા સીએસસી ઓપરેટર્સ દ્વારા કેમ્પ મોડથી તથા FPS ઓપરેટર્સ ધ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન દરેક ગ્રામ પંચાયતમાં આવેલ ઇ-ગ્રામ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર તથા સસ્તા અનાજની દુકાન પર કાર્યરત ઓપરેટર્સ મારફત કરાવી શકાય છે. રજીસ્ટ્રેશન માટે બેન્ક પાસબુક, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબર સાથે હાજર રહેવું જરૂરી છે. ઇ-શ્રમ કાર્ડ ધારકને અકસ્માતે મુત્યુના કિસ્સામાં રૂા. 2,00,000/- (બે લાખ) તથા અપંગતાના કિસ્સામાં રૂા. 1,00,000/- (એક લાખ)ની વીમાની રકમ મળવાપાત્ર છે. ભવિષ્યમાં અમલમાં આવનારી વિવિધ સામાજીક સુરક્ષાને લગતી યોજનાઓ ઇ-શ્રમ કાર્ડ સાથે સાંકળી લેવામાં આવનાર છે. આથી તમામ અસંગઠીતક્ષેત્રના શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડ મેળવી લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here