નર્મદા જીલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પંચાયતની તમામ ૨૨ બેઠકો ઉપર ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો ગુજરાત વિભાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં થનારો શુભારંભ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નાંદોદ અને દેડીયાપાડા વિભાનસભા વિસ્તાર માટે બે અલાયદા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથનું રાજપીપલા ખાતેથી થનારૂ પ્રસ્થાન

રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે વરિષ્ઠ પદાધિકારી ઓ અધિકારીઓ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ માટે તા. ૧૮ મી નવેમ્બરથી તા. ૨૦ મી નવેમ્બર સુધી યોજાનારી રાજયવ્યાપી આત્મનિર્ભર ગ્રામયાત્રાના ભાગરૂપે તા. ૧૮ મી નવેમ્બર,૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારે ૯=૩૦ કલાકે રાજપીપલામાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર સહિતના અધિકારીઓ પદાધિકારી ઓ વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં રાજયકક્ષાએ યોજાનારા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને આવાસનું લોકાર્પણ, ઇ-તકતીના માધ્યમથી વિવિધ વિભાગોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તેમજ યોજનાકીય લાભોની સહાયના ચેકોનું વિતરણ કરાશે.
નર્મદા જિલ્લામાં આત્મ નિર્ભર ગ્રામ રથયાત્રા દરમિયાન જે તે વિસ્તારોમાં સવારના ૮=૦૦ થી ૮=૩૦ કલાક દરમિયાન ગ્રામજનો, શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આશા વર્કર બહેનો, સખી મંડળ, યુવક મંડળ, નિગરાની સમિતિ, પાણી સમિતિ દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ રેલી યોજાશે. તદ્ઉપરાંત સવારે ૮=૩૦ થી ૯=૧૫ કલાક દરમિયાન શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળી, પશુ દવાખાના, સબ સેન્ટર, વેલનેશ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ કામગીરી હાથ ધરાશે. તદઉપરાંત વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને યોજનાકીય સહાયના લાભોનું વિતરણ કરાશે.
નર્મદા જિલ્લામાં જિલ્લા પ્રશાસન દ્વારા ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાના કરાયેલા આયોજન મુજબ તા. ૧૮ મી એ નાંદોદ તાલુકાના વડીયા, ભદામ, આમલેથા અને પ્રાતપનગર ખાતે તેમજ દેડીયાપાડા તાલુકાના દેડીયાપાડા, નવાગામ, મંડાળા અને વાઢવા ગામે તેમજ તા. ૧૯ મી ના રોજ ગરૂડેશ્વર તાલુકાના ગરૂડેશ્વર, કેવડીયા, નઘાતપોર અને ખડગદા ગામે તથા દેડીયાપાડા તાલુકાના ચિકદા, આંબાવાડી અને સામોટ જયારે તા. ૨૦ મી એ તિલકવાડા તાલુકાના દેવલીયા, અગર અને તિલકવાડા ખાતે તથા સાગબારા તાલુકાના જાવલી, ખોપી, સાગબારા અને સેલંબા ખાતેની ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક શાળાના નિયત કરાયેલા સ્થળોએ યોજાશે, તેમ જિલ્લા પંચાયત, નર્મદા તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here