છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગુજરાત મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગુજરાત મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના સમુહ લગ્નોત્સવનો પ્રસંગ આજરોજ યોજાયો હતો. આયોજિત સમુહ લગ્નમાં ખત્રી સમાજના ૧૨ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. ઉલ્લેખનીય છેકે મુસ્લિમ બાવીસી ખત્રી સમાજ દ્વારા અવારનવાર સમયાંતરે સમુહ લગ્નના પ્રસંગનું આયોજન કરવામાં આવે છે. જ્ઞાતિ દ્વારા ભુતકાળમાં કોલિયાદ વડોદરા ડભોઇ પાવીજેતપુર બોડેલી તિલકવાડા રાજપારડી ખાંડીવાવ વિ.સ્થળોએ સમુહ લગ્ન યોજાયા હતા. સમુહ લગ્નમાં જ્ઞાતિના દાતાઓ તરફથી પરણનાર કન્યાઓને વિવિધ ઉપયોગી વસ્તુઓની ભેટ અપાતી હોય છે. આજના આ સમુહ લગ્નના કાર્યક્રમમાં જ્ઞાતિના ધો.૮ થી લઇને કોલેજ કક્ષાના પરિક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી પાસ થયેલ તેજસ્વી વિધ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજના આ સમુહ લગ્નના પ્રસંગમાં વિવિધ દાતાઓ તરફથી પરણનાર યુગલોને ૫૬ જેટલી વિવિધ ભેટ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે સમુહલગ્નનો પ્રસંગ સહિયારો પ્રસંગ ગણાય છે. સમુહલગ્નના પ્રસંગ દ્વારા આખો સમાજ એક મંડપ નીચે ભેગો મળે છે, આને લઇને સમાજમાં સહકારની ભાવના મજબુત બને છે. આજના સમુહલગ્નના પ્રસંગ અંતર્ગત બોડેલી મુકામે અગાઉ ખત્રી સમાજની સામાન્ય બેઠક સમાજના અગ્રણી ખત્રી અબ્દુલકાદિર ઠાકોર ભરૂચના અધ્યક્ષપદે મળી હતી, જેમાં સમુહલગ્નના પ્રસંગ માટે સ્થળ અને તારીખની પસંદગી કરવામાં આવી હતી. સમુહલગ્નના પ્રસંગના આયોજન માટે તેમની આગેવાની હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી હતી. આજરોજ તારીખ ૨૧ મે યોજાયેલ આ સમુહલગ્નના પ્રસંગને સફળ રીતે પાર પાડવા જ્ઞાતિના યુવાનો અને વડિલોએ ભારે જહેમત ઉઠાવીને સમગ્ર પ્રસંગને પાર પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here