પંચમહાલ જિલ્લામાં રેડક્રોસ ખાતે વર્લ્ડ હિયરીંગ ડે અને વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડેની ઉજવણી કરાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે બાળકોને કીટનું વિતરણ અને આરબીએસકે ડોક્ટર્સ-કર્મચારીઓનું સન્માન કરાયું

પંચમહાલ જિલ્લામાં રેડક્રોસ ભવન, ગોધરા ખાતે આજે 3 માર્ચ નિમિત્તે વર્લ્ડ હિયરીંગ ડે અને વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે નિમિત્તે જિલ્લા એનસીડી સેલ અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જન્મસમયે જન્મજાત મોતિયો, ક્લેફ્ટ લીપ્સ, ક્લબ ફૂટ, હદયરોગ, આંખ-કાનની ખામી ધરાવતા હોય અને આરોગ્ય વિભાગની સારવારનો લાભ મેળવેલ હોય તેવા 20 જેટલા લાભાર્થી બાળકોને જિલ્લા કલેક્ટરશ્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કિટ વિતરણ કરાવી તેમજ આરબીએસકે ડોક્ટર્સ અને કર્મચારીઓને પ્રશસ્તિપ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરબીએસકેની ટીમને અભિનંદન આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જન્મ સમયે જ કોઈપણ પ્રકારની વિકલાંગતા કે ખામીની ઓળખ કરવી અત્યંત અગત્યની કામગીરી છે અને બાળકોમાં આ ડિટેક્શન જેટલું વહેલું થાય તેટલી વહેલી તેની સારવાર શક્ય બને છે અને તેની લઘુત્તમ નકારાત્મક અસર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર થાય તેમજ તેનો સમતોલ વિકાસ શક્ય બને. સોશિયલ ઈન્ટીગ્રેશન બાળકનો મૂળભૂત અધિકાર છે અને આ પ્રકારની ખામીઓ તેમને તેમ કરતા રોકે છે તેથી આ પ્રકારના ડિટેક્શન શક્ય તેટલા વહેલા થાય તે દિશામાં આયોજન કરી કામગીરી કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.રાઠોડે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની જન્મજાત ખામી ધરાવતા બાળકોને શ્રેષ્ઠ નિદાન અને સારવાર પૂરી પાડવા તંત્ર કટિબદ્ધ છે. ઉત્તમ કામગીરી બદલ તેમણે આરબીએસકેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બે લાભાર્થીઓ શ્રી વિજયભાઈ રાવલ અને શ્રી ગૌરાંગભાઈ ભોઈએ પોતાના સંતાનોને આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત મળેલ સારવાર સહાયનો ઉલ્લેખ કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. મીનાક્ષી ચૌહાણે કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તેમજ આરસીએચઓ ડો. પી.કે. શ્રીવાસ્તવે આભારવિધી કરી હતી. સિવિલ સર્જન ડો. મહેશ પીસાગર, ઈએમઓ ડો. બી.કે.પટેલ સહિતના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમના મેડિકલ ઓફિસર્સ- અને સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here