ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સરકાર ની વિવિધ યોજનાઓના લાભો લઈને લોકો આત્મનિર્ભર બને તે દિશાના અનેકવિધ જનહિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યાં છે : ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા

દંડકશ્રી કટારા અને મહાનુભાવોના હસ્તે ઝંડી ફરકાવીને “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના રથનું કરાવાયું પ્રસ્થાન : જિલ્લામાં ત્રિ-દિવસીય ગ્રામ યાત્રાનો પ્રારંભ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ માટે તા.૧૮ મી નવેમ્બરથી તા.૨૦ મી નવેમ્બર સુધી યોજાયેલી રાજયવ્યાપી “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના સમારોહને ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી અને મોતીસિંહ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા,જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, અરવિંદભાઇ, દિનેશભાઇ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો સહિતના પદાધિકારી ઓ અધિકારી ઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા. ૧૮ મી નવેમ્બરથી તા. ૨૦ મી નવેમ્બર સુધી રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આજથી પ્રારંભ કરાયો છે, જેમાં “સૌના સાથ સૌના વિકાસ” થકી સરકાર ની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના લોકોને સરળતાથી મળી રહે અને વિવિધ યોજનાઓના લાભો લઈને લોકો આત્મનિર્ભર બને તે દિશાના અનેકવિધ જનહિતલક્ષી નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યાં છે. તેની સાથોસાથ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો જરૂરિયાતમંદ લાભાર્થીઓને પૂરા પાડીને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પણ સાકાર થયું હોવાની સાથે ગ્રામીણ વિસ્તારના લોકોને ઘર આંગણે જ પીવાનું પાણી મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રી એ “નલ સે જળ યોજના” વર્ષ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે તેમ જણાવી નિરામય-ગુજરાત અભિયાન થકી ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ લોકોને હવે સરળતાથી સરકારી હોસ્પિટલમાં મળી રહેશે તેવો દ્રઢ વિશ્વાસ શ્રી કટારાએ વ્યક્ત કર્યો હતો. સરકારશ્રી દ્વારા ઉંમરગામથી લઇને અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરીને વિકાસ સાધ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ વન મંત્રી મોતીસિહ વસાવા અને મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યો હતા.

ગુજરાત વિધાનસભાના દંડકશ્રી રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૦ લાભાર્થીઓને આવાસની ચાવી, જિલ્લાના ૧૦ જેટલા વિવિધ સખી મંડળોને રૂ.૩૪.૯૦ લાખ, RF/CIF ની સહાયના ચેક, જિલ્લાની ચાર જેટલી વિવિધ સહકારી મંડળીઓને રૂ.૫૬,૪૦૦ ની રકમના સહાયના ચેક/ મંજૂરી પત્ર અને ૧ મંડળીને નોંધણી અંગેનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. તેની સાથોસાથ ઇ-તકતીના માધ્યમથી વિવિધ વિભાગોના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયાં હતાં.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના હસ્તે નર્મદા જિલ્લામાં આ ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન જિલ્લાને મળનારા લાભો અને સુવિધાઓ અંતર્ગત વિવિધ વિભાગોની યોજનાઓ હેઠળના અંદાજે રૂા.૬૬.૬૬ લાખના ખર્ચે ૪૯ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું ઇ-વિતરણ તેમજ રૂા.૧૧૮૬.૨૩ લાખના ખર્ચેના ૪૦૩ જેટલાં વિકાસકામોના ઇ-લોકાર્પણની અને અંદાજે રૂા.૭૫૮૪.૩૫ લાખના ખર્ચના ૩૧૩ જેટલા વિવિધ કામોના ઇ-ખાતમુહુર્તની તક્તીનું અનાવરણ કરાયું હતું.

ખેડા જિલ્લા ખાતેથી મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના યોજાયેલા આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના કાર્યક્રમનું ઓનલાઇન-વર્ચ્યુઅલ માધ્યમ થકી કરાયેલા જીવંત પ્રસારણની સાથે ઉપસ્થિત સહુ કોઇએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. કાર્યક્રમના અંતમાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા સહિતના અન્ય મહાનુભાવો હસ્તે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”ના રથને ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાયું હતું.

પ્રારંભમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ. એમ. ડિડોરે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં સી.આર.સી. શ્રી ચેતનભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું.

જિલ્લાકક્ષાએથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાયા બાદ આ રથ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે પહોંચ્યો હતો જ્યાં ગામના સરપંચ મહેશભાઇ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચીનભાઇ શાહ, શાળાના આચાર્ય વનરાજસિંહ રાજપૂત, ગામ આગેવાનો, ગ્રામજનોએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાને આવકારી હતી. શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને સંકલિત બાળ વિકાસ વિભાગ સહિતની વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ પણ કરાયું હતું.

   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here