ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવા કલેકટરશ્રીને આવેદનપત્ર અપાયું

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

ગુજરાત રાજ્યમાં હાલની વરસાદની સ્થિતિ જોતાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ માન. જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ ગુજરાતમાં વરસાદ ઓછો હોવાના કારણે નદી, નાળા, તળાવ   પાણીથી ભરાયા નથી તેમજ ખેતી, પશુપાલન અને ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે ખેડૂતોને સહાય આપવા બાબતે આવેદનપત્ર આપતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ પર આંકડા જણાવે છે કે, ઓગસ્ટ ૨૭ સુધીની વરસાદની ટકાવારી ખૂબ ચિંતા જનક છે પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૭.૯૩% વરસાદ થયો છે અને ૬૨.૦૭% વરસાદની ઘટ છે.
પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકામાં ૨૪.૭૬%, ગોધરામાં ૪૨.૭૨%, હાલોલમાં ૩૮.૧૩%, જાંબુઘોડામાં ૪૫.૧૪%, કાલોલ તાલુકામાં ૨૨.૨૭%, મોરવા હડફ માં ૩૪.૪૩%, શહેરામાં ૩૧.૫૫% વરસાદ થતાં સરેરાશ ૩૫% જેટલો નોંધાયો છે અને ૬૫% વરસાદ ઘટ છે ત્યારે કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે, આવી સ્થિતિમાં ખેડૂતોના ખેતરે ખેતરે સર્વે કરાવીને હેક્ટર દીઠ રોકડ રકમ ચૂકવી સહાય કરવામાં આવે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એસડીઆરએફના ધોરણે સર્વે કરી ખેડૂતોને નુક્સાન થયું હોય તે પ્રમાણે વળતર ચૂકવવા, પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરી, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, જરુરીયાત મંદો માટે તરતજ રાહત કામો શરૂ કરવા જોઈએ એ બાબતે આવેદનપત્ર આપી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે એમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.
જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆની અધ્યક્ષતામાં આયોજિત આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા કિસાન પ્રમુખ ઉત્સવભાઇ પટેલ સહિત તમામ તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારો તથા કાર્યકરો સહીત હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here