ઉર્જા મંત્રી સૌરભ પટેલ, નર્મદા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ અને જયેશભાઇ રાદડીયાના હસ્તે “ નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત લાભાર્થી મહિલાઓને ભોજન પીરસવાની સાથે સ્વરોજગારી માટે હાથલારી-સિલાઇ મશીન કિટ્સના લાભોનું વિતરણ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા વહિવટીતંત્રનો “નોંધારાનો આધાર” પ્રોજેક્ટને આવકાર સાથે સાંપડી રહેલો ભવ્ય પ્રતિસાદ

ફુટપાથ પર રઝળતા નોંધારા પરિવારોને નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, પદાધિકારીશ્રીઓ, અગ્રણીઓ, પ્રજાજનો વગેરેના સહયોગથી સેન્ટ્રલ કિચનના માધ્યમથી બે ટંક શુધ્ધ ભોજન અને સવારથી રાત્રી સુધીના સમયગાળા દરમિયાન વ્યક્તિને જરૂરી એવી જીવન જરૂરિયાતની અંદાજે ૪૩ જેટલી વિવિધ ચીજવસ્તુઓ ધરાવતી કિટ્સ પુરી પાડવા ઉપરાંત વિવિધ સરકારી સહાય યોજના અંતર્ગત જે તે લાભો પુરા પાડવાની સાથે તેઓ પણ સ્વમાનભેર જીવન ગુજારી સમાજ-રાષ્ટ્રની મુખ્યધારામાં જોડાઇ શકે તે માટે અમલી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટને વિવિધ મહાનુભાવો, રાજપીપલાના નગરજનો-જિલ્લાવાસીઓ તરફથી ઉમળકાભેર આવકાર સાથે ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
તદ્અનુસાર, ગત બુધવારના રોજ ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યકક્ષાના ગ્રામ વિકાસ તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. ના નવનિર્મિત ભવનના લોકાર્પણ બાદ આ બંને મંત્રી ઓના હસ્તે રાજપીપલામાં રાજવંત પેલેસની સામે શીતળા માતાના મંદિર પાસે આ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત બે લાભાર્થી મહિલાઓને ભોજન પીરસવાની સાથે જીવન જરૂરિયાતની કુલ-૪૩ જેટલી ચીજવસ્તુઓ ધરાવતી કિટ્સનું વિતરણ કરાયું હતું. તદ્ઉપરાંત સ્વરોજગારી માટે માનવ ગરિમા યોજના હેઠળ વજન કાંટા સહિતની હાથલારી તેમજ એક લાભાર્થી મહિલાની દિકરીને પણ સ્વરોજગારી માટે સિલાઇ મશીનની કિટનું વિતરણ કરાયું હતું.
તેવી જ રીતે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઇ રાદડીયાએ પણ તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગત બુધવારે આ પ્રોજેક્ટ અંતર્ગત એક મહિલા લાભાર્થીને ભોજન પીરસવાની સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ્સનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આ પ્રોજેક્ટ અંતર્ગત મંત્રી ઓને ઝીણવટભરી જાણકારી સાથે જરૂરી વિગતોથી વાકેફ કર્યા હતાં. આ કામગીરીથી અત્યંત પ્રભાવિત થઇ મંત્રી ઓએ “ટીમ નર્મદા” ની સંવેદનાસભર આ કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી અને.યુ.પઠાણ, રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસ ગાંધી સહિતના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here