કાલોલ નગરપાલિકાના પ્રમુખની મુદત આગામી માસે પૂરી થતા સંભવિત મહિલા દાવેદારોની ખુરશી માટે હડિયા દોટ શરૂ

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ નગરપાલિકાના પ્રમુખ કિરીટભાઈ પટેલની ટર્મ આગામી ઓગસ્ટ માસમાં પુરી થતી હોવાથી બાકીના અઢી વર્ષ માટે કાલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે સામાન્ય મહિલા ઉમેદવારનું રોસ્ટર હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે પાલિકા પ્રમુખનો તાજ પહેરવા માટે સંભવિત દાવેદારોએ અત્યારથી જ પોતાના સોગઠાં ગોઠવ્યા છે. દાવેદારોએ પોતાના રાજકીય ગુરુઓ તથા સંગઠન અને મંત્રીઓ સુધી એડી ચોટીનું જોર લગાવ્યું હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ આગામી અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ માટેની બેઠક હોવાથી અત્યારથી જ ભાજપની તેમજ અપક્ષની મહિલા દાવેદારો એ રાજકીય પાસા ગોઠવવાનું શરૂ કર્યું છે. હાલમાં મળી રહેલ માહિતી મુજબ વોર્ડ નંબર(૨) માંથી જ બે મહિલા ઉમેદવારો પ્રમુખ માટેના તેના સજજડ દાવેદારો છે. જેમાં જ્યોત્સનાબેન બેલદાર જેઓ બે વખત પાલિકામાં ચૂંટાયેલા છે પ્રથમ વખત અપક્ષ તરીકે ચૂંટાયા ત્યારબાદ ૨૦૧૮ માં ભાજપા તરફથી ચૂંટાયા છે જેઓ પોતાના વોર્ડમાં સૌથી વધુ મતે જીતેલા ઉમેદવાર છે અને વોર્ડના નાગરિકોમાં સૌથી વધુ લોકપ્રિય છે વોર્ડના તમામ નાના-મોટા પ્રશ્નોમાં તેઓની હાજરી અચૂક જોવા મળે છે સતત કાર્યશીલ અને જીવંત લોક સંપર્ક તેઓનું જમા પાસું છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લા મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમના સિવાય વૈશાલી બેન પટેલ જેઓ પ્રથમ વખત જ ભાજપ તરફથી ચૂંટાયેલા છે વોર્ડમાં તેઓની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળી નથી પરંતુ તેઓના પતી ભાજપના સંગઠનમાં ખૂબ સારી પકડ ધરાવે છે તેથી સંભવિતો માં તેઓની દાવેદારી નોંધાવી શકે છે આ ઉપરાંત વોર્ડ નંબર (૧) માં ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર અલકાબેન પરીખ પણ સંભવિત દાવેદારોમાં એક ઉમેદવાર હોઈ શકે તેવું ચર્ચામાં છે. આજ વોર્ડના અપક્ષ તરીકે ચૂંટાયેલા અને બાદમાં ભાજપને ટેકો આપેલ ઉમેદવાર શૈફાલીબેન ઉપાધ્યાય હાલમાં ખૂબ સક્રિય ભૂમિકામાં જોવા મળે છે. કાલોલના ધારાસભ્ય ‌સુમનબેન ચૌહાણના તમામ જાહેર કાર્યક્રમોમાં તેઓની હાજરી અચૂક જોવા મળે છે. આ ઉપરાંત વોર્ડ નંબર (૭) ના ચૂંટાયેલા ભાજપના મહિલા ઉમેદવાર લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ પણ સંભવિત દાવેદારો પૈકીના એક હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત વોર્ડ નંબર (૩)ના ભાજપના ઉમેદવાર દક્ષાબેન કાછિયાને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. તથા વોર્ડ નંબર પાંચના દક્ષાબેન મકવાણા પણ સંભવિત દાવેદાર ઉમેદવારોમાં સામેલ થઈ શકે તેમ છે. આમ કુલ સાત ઉમેદવારો પૈકીના છ પાર્ટીના ઉમેદવારો મુખ્ય દાવેદારો બનવાની શક્યતા વધી રહી છે ત્યારે મુખ્ય દાવેદારો વોર્ડ નં(૨) ના જ બન્ને મહિલા ઉમેવારોની વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે. તેમ છતાં પણ સંગઠન અને જીલ્લા ઉપરાંત ધારાસભ્ય તથા સ્થાનિક અને જીલ્લા પાર્ટી પ્રમુખનો ઝોક કઈ તરફ વળે તે મહત્વનું બની શકે છે. આ ઉપરાંત મુખ્ય દાવેદાર બાજુ પર રહી જાય અને કોથળામાંથી બિલાડું નીકળે તેમ કોઈ અન્ય ઉમેદવાર તરફ પાર્ટીનો ઝુકાવ રહે તેવું પણ બનવાનો સંભવ છે. હાલમાં કાલોલ નગર વિકાસ ઝંખી રહ્યું છે છેલ્લા અઢી વર્ષમાં પાલિકાએ બબ્બે ઉપપ્રમુખ જોયા છે હાલના ઉપપ્રમુખે પાલિકાની ચંડાળ ચોકડી વિરુદ્ધ વિરોધ નું બ્યુગ્લ ફૂક્યું હતું વિકાસના કોઈ કામો થતા ન હોવાના, વાર્ષિક સાધારણ સભા ભરાતી ન હોવાના તથા ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો તાજેતરમાં જ કર્યા છે. અને કાલોલ નગરપાલિકામાં અપક્ષોના સથવારે ભાજપનું બોર્ડ બનતું હોવાથી અપક્ષ ઉમેદવારોને પણ ક્યાંકને ક્યાંક ઉપપ્રમુખ અથવા તો કારોબારી અધ્યક્ષ નો હોદ્દો સમજૂતીના ભાગરૂપે આપવાનો હોવાથી અપક્ષ મહીલા ઉમેદવાર પુષ્પાબેન પરીખ પણ પ્રમુખ નહીં પરંતુ ઉપપ્રમુખ પદની રેસમાં હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ પાર્ટી તથા સંગઠન શું નિર્ણય લેશે અને પસંદગીનો કળશ કોના પર ઢોળશે તેના પર સમગ્ર નગરજનોની મીટ મંડાઇ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here