કાલોલના એરાલ ગામના તળાવમાંથી એક માછીમારની જાળમાં આઠ ફુટનો અજગર ફસાયો

વન વિભાગે રેસ્કયુ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

તસવીરો : કાલોલ તાલુકાના એરાલ ગામના દેવકીસર તળાવમાં માછીમારોની જાળમાં સપડાયેલો અજગર તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.

કાલોલ તાલુકાના એરાલ ગામના એરાઈમાતાના મંદિર પાસે આવેલા દેવકીસર નામના નાનકડા તળાવમાં બુધવારે સવારે નજીકના રવેરી ગામના માછીમારી કરી ગુજરાન ચલાવતા ભોઈ સમાજના બે-ત્રણ માછીમારો વહેલી સવારે દેવકીસર તળાવ પર પહોંચી જાળ બિછાવીને માછલીઓ પકડતા હતા. એ સુમારે માછલીઓ પકડવા માટે બિછાવેલી એક માછીમારની જાળમાં એક ભારેખમ જીવતો સર્પ જાળમાં સપડાયેલા સર્પને જોઈને માછીમારો પણ ગભરાઈ ગયા હતા. જે ઘટના અંગે માછીમારોએ નજીકના એરાલ ગામના સરપંચને જાણ કરતા સરપંચે ઘટના સ્થળે પહોંચી આઠ નવ ફૂટના અજગર ને ઓળખી વનવિભાગને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. એ સમય દરમિયાન એક માછીમારની જાળમાં ફસાયેલા અજગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નાનકડા તળાવમાં રહેતા અને જાળમાં ફસાઇને બહાર આવેલા અજગરને જોઈને ભારે કૌતુક જગાવ્યુ હતું. જોકે વન વિસ્તરણ વિભાગની ટીમે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી માછીમારની જાળમાં ફસાયેલા અજગરને સુરક્ષિત રીતે રેસ્કયુ કરી લીધો હતો. વન વિભાગના કર્મચારીઓના જણાવ્યા મુજબ લગભગ આઠ-નવ ફૂટ જેટલા લાંબા નર અજગર સંભવિત રીતે શિકારની શોધમાં વિચરણ કરતો તળાવ બાજુ આવી ગયો હોવાનું જણાવ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે અજગરે કોઈ નાના પશુનો શિકાર પણ કર્યો હતો જે એના પેટમાં દેખાતું હતું. અંતે વનવિભાગના કર્મચારીઓએ હાલોલ સ્થિત સામલીના જંગલમાં સુરક્ષિત છોડી મુકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here