હોટલો, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓમાં મુલાકાતીઓને રૂમ ભાડે આપતા પહેલા વિગતો મેળવવી ફરજિયાત, પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

વિદેશી નાગરિકો સહિત મુલાકાતીઓની માહિતીનો રેકોર્ડ જાળવવો ફરજિયાત

ત્રાસવાદી/અસામાજિક તત્વો દ્વારા રોકાણ અને આશરા માટે હોટલો, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓના થતા દુરૂપયોગને ધ્યાનમાં રાખીને પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.ડી. ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા આવી જગ્યાઓ પર રોકાણ માટે રૂમ ભાડે આપતા સમયે ચોક્કસ વિગતો મેળવવાનું ફરજિયાત બનાવવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે મળેલ સત્તા અંતર્ગત પ્રસિદ્ધ કરાયેલ આ જાહેરનામા અંતર્ગત પંચમહાલ જિલ્લાની હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ, મુસાફરખાના, અગત્યની સંસ્થાઓ, મંદિર, મસ્જિદ, મદ્રેસાના માલિકો, ટ્રસ્ટીઓ, સંચાલકો માટે વિદેશી નાગરિકો આવે ત્યારે તેમના પાસપોર્ટ, વિઝા અને ભારતમાં આવ્યા અંગેની ડિટેઈલ્સ સહિતની કોપી લેવી, યોગ્ય નમૂના મુજબનું રજિસ્ટર બનાવી આવતા-જતા અતિથીઓની રજિસ્ટરમાં નોંધણી કરવા, દેશી/વિદેશી નાગરિકને પાસપોર્ટ, વિઝા અને ભારતના સરનામાની અને વિદેશી નાગરિક તરીકે નોંધણી કરાવેલ હોય તો રેસીડેન્શિયલ પરમીટની કોપી મેળવવી અને રેકર્ડમાં જાળવણી કરવી, દેશી વિદેશી નાગરિકને લગતા નિયમ મુજબ સી-ફોર્મ ફોરેનર્સ રજિસ્ટ્રેશન રૂલ્સ સને. 1939 મુજબના નમૂનાના ફોર્મમાં પોલિસ અધિક્ષકશ્રી, પંચમહાલની ફોરેનર્સ બ્રાન્ચમાં 24 કલાકમાં રિપોર્ટ સહિત રજૂ કરવા, દેશી/વિદેશી મુલાકાતીનું બુકિંગ કરાવનારના નામ, સરનામા તથા ટેલિફોન નંબર સહિતના પુરાવા મેળવવા, કોઈપણ બહારના મુસાફરની શંકાસ્પદ હિલચાલ જણાયેથી તાત્કાલિક પોલિસ વિભાગને જાણ કરવી, કોઈપણ બહારના રાજ્યના મુસાફરો રોકાણ કરે ત્યારે સંસ્થાના જવાબદાર વ્યક્તિએ તે બાબતની જાણ અને ઉપર જણાવેલ શરતો મુજબ પુરાવા સહિત સમય મર્યાદામાં સ્થાનિક પોલિસને રજૂ કરવા સહિતની શરતોનું પાલન કરવાનું ફરજિયાત રહેશે. આ હુકમનો અમલ હુકમની તારીખથી બે માસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here