સુરત શહેરના કુખ્યાત બુટલેગરની સ્મશાનયાત્રામાં સરકારના જાહેરનામાંથી વિપરીત અસંખ્ય લોકો જોડાતા પોલીસે નોંધ્યો ગુનો…

સુરત,
પ્રવાસી પ્રતિનિધિ

સુરતમાં ગત શનિવારના રોજ એક બુટલેગરની બુટલેગર દ્વારા જ હત્યા કરવામાં આવી હતી. જેમાં મરણ જનાર વ્યક્તિની સ્મશાન યાત્રામાં સરકારી ધારા-ધોરણોથી વિપરીત ભીડ જોવા મળતા પોલીસે ૪૦૦ લોકોના તોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં દારૂનું વેચાણ કરતા કાળુ નામના બુટલેગર પર ડિંડોલીમાં શનિવારે સાંજે કેટલાક ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બુટલેગરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ કાળુનું મોત નીપજયું હતું, તેથી પોલીસે કાળુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ વાતની જાણ ભીમનગર વસાહતમાં રહેતા લોકોને થતાં તેઓ મોટી સંખ્યામાં સ્મીમેર હોસ્પિટલ પર ઉમટી પડ્યા હતા અને કાળુના મૃતદેહને ભીમનગર વસાહતમાં લાવ્યા હતા. ત્યારબાદ મરણ જનાર બુટલેગરની સ્મશાનયાત્રા કાઢવામાં આવી ત્યારે જેમ સેલિબ્રિટીની સ્મશાનયાત્રામાં સેંકડો લોકો એકઠાં થાય તે રીતે બુટલેગરની સ્મશાન યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. જેના કારણે સરકારના નિર્દેશો મુજબ જાહેર કરેલ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. અનલોક-૦૧ ના જાહેરનામાં મુજબ સ્મશાન યાત્રામાં 25 થી વધારે લોકોને એકઠાં થવાની મંજૂરી ન હોવા છતાં બુટલેગરની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે સ્મશાન યાત્રામાં ભેગા થયેલા 400 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here