સિદ્ધપુરમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને છરી 6.84 લાખના દાગીના ભરેલા થેલાની સનસનીખેજ લૂંટ ચલાવતા ચકચાર

સિદ્ધપુર,(પાટણ) આશીસ કુમાર :-

ચાર અજાણ્યા બુકાનીધારીઓએ આંગડિયા કર્મચારી પાસેથી રૂ.૦૬,૮૪,૦૩૦ નો મુદ્દામાલ છીનવી સેન્ટ્રો ગાડીમાં આબાદ ફરાર થઇ જતા પોલીસ કુમકે નાકાબંધી કરી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા….

સિદ્ધપુરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ એમ.ઓ.થકી લૂંટ,ચોરી સહિતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈ વહેપારીઓ સહિત આમ પ્રજાજનોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.તેવામાં શહેરમાં આજ રોજ લૂંટની વધુ એક ઘટનાને સફળતાપૂર્વક અંજામ અપાતા તસ્કરો જાણે પોલીસ ને ખુલ્લો પડકાર આપતા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આજરોજ ગુરુવાર સવારે ૦૮:૩૦ વાગ્યાના સમય દરમિયાન શહેરના હાર્દ સમા વિસ્તાર દેથળી ચાર રસ્તાથી એસ.જે.રોડ ઉપર આવેલ વિશ્વકર્મા ટેલર્સની સામેની બાજુથી પાર્સલનો થેલો લઈ રહેલા પટેલ જયંતીભાઈ સોમા ભાઈ આંગડિયા પેઢીના મેનેજરને અજાણ્યા ચાર બુકાનીધારો દ્વારા અચાનક છરી બતાવી રૂ.૬,૮૪,૦૩૦ લાખના મુદામાલની લૂંટ ચલાવી કારમાં ફરાર થઈ ગયા હતા.આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ઘટના સ્થળે ધસી આવ્યા હતા.એસ.પી અને સિદ્ધપુર ડીવાયએસપી,સી.એલ.
સોલંકીના માર્ગદર્શન હેઠળ એસઓજી,સિદ્ધપુર પીઆઈ અને સ્થાનિક પોલીસની ટીમે આ અજાણ્યા બુકાનીધારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સિદ્ધપુરની મારુતિ કોમ્પ્લેક્ષમાં આવેલ પટેલ જયંતીભાઈ સોમાભાઈ આંગડિયા પેઢીના સિદ્ધપુર ઓફિસના મેનેજર કનુભાઈ રણછોડભાઈ પટેલ અમદાવાદથી ગાડીમાં આવતું આંગડિયા પાર્સલ લેવા ગુરુવાર સવારે ગયા હતા.તેમની સાથે અન્ય આંગડિયા પેઢીના રાજેન્દ્ર સિંહ રાજપૂત પણ તેમનો થેલો લેવા સાથે ગયા હતા. ત્યારબાદ રૂ.૦૬,૮૪,૦૩૦ લાખના મુદ્દામાલના પાર્સલનો થેલો જેમાં અમદાવાદ ખાતેના પાર્સલ નંગ ૧૨ જેમાં સોનાના દાગીના તથા હીરા નો માલ હતો જેની કિંમત રૂ.૩,૬૫,૯૩૦ તથા મુંબઈ ખાતેના પાર્સલ નંગ ૦૪ જેમાં હીરાનો માલ હતો તે આશરે કિંમત રૂ.૪,૦૦૦ તથા સુરત ખાતેના પાર્સલ નંગ ૨૧ જેમાં સોનાના દાગીના તથા હીરાનો માલ હતો જે આશરે રૂ ૩,૧૪,૧૦૦ સહિત કુલ કિંમત રૂ.૬,૮૪,૦૩૦ નો મુદ્દામાલ ભરેલો થેલો લઈને પોતાના એકટિવા પર મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા બુકાનીધારી ચાર ઈસમો સિલ્વર કલર જેવી સેન્ટ્રો ગાડીમાંથી ઉતરી કનુભાઈ ને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને ચાર બુકાનીધારી ઈસમોએ કનુભાઈને છરી બતાવી એક્ટિવા પર મુકેલ રૂ.૦૬,૮૪,૦૩૦ લાખ દાગીના નો મુદ્દામાલ ભરેલ થેલો લઈ ફરાર થઈ ગયા હતા.આ અંગે કનુભાઈ પોતાના શેઠને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરતા ગુનાની ગંભીરતાના અનુલક્ષી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા , ડીવાયએસપી,સી.એલ. સોલંકી,એસ.ઓ.જી પી.આઈ અમીન તેમજ સિદ્ધપુર પી.આઈ ચિરાગ ગોસાઈ સહિતનો પોલીસ કાફલો સત્વરે ઘટના સ્થળે ધસી આવ્યો હતો.પોલીસે આસપાસના સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરી ગુના અંગેની કડીઓ મેળવવા તપાસ આદરી હતી.આ ઉપરાંત જવેલર્સની દુકાનોમાં પણ તપાસ કરી આ ચોરી ભેદ ઉકેલવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ IPC કલમો 392, 397, 114 તેમજ જીપીએ કલમ 135 મુજબ ફરિયાદ નોંધી છે.જેની આગળની તપાસ પીઆઈ ચિરાગ ગોસાઈ ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here