સિદ્ધપુરના વૈકુંઠઘાટ તેમજ પ્રાચિન સરસ્વતી મંદિર નજીક નિયમિત સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરના રુદ્રમહાલય નજીક સરસ્વતી નદીના કિનારે ઐતિહાસિક વૈકુંઠાઘાટ અને અતિપ્રાચીન શ્રી સરસ્વતી માતાનું મંદિર આવેલું છે.શ્રાવણ માસ સહિત સમગ્ર વર્ષ દરમિયાન આ સ્થળે યાત્રાળુઓ,પર્યટકોનો ધસારો રહેતો હોય છે. આમછતાંય આ પવિત્ર સ્થળની પાલિકાતંત્ર દ્વારા નિયમિત સફાઈ કરાતી ના હોવાથી અહીં અસહ્ય દુગંધ મારતી ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળતું હોય છે.ગટરના ગંદા પાણી અને કચરાથી ખદબદતાં આ સ્થળની આવી અવદશા જોઈ દર્શનાર્થીઓ સહિત સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. અવાવરું બની ગયેલું આ ધાર્મિક સ્થળ પ્રવર્તમાન સમયે જુગારીયા અને દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે. નગરપાલિકાતંત્ર અહીં દૈનિક સફાઈ કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.
પવિત્ર અને સલિલા સરસ્વતી નદીના એકદમ કિનારે આવેલ આ સ્થળે મહર્ષિ કર્દમઋષિ અને ભગવાન કપિલ મહામુનીએ તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી નિજ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હોવાનું કહેવાય છે. બાદમાં સમગ્ર ગુર્જરધારા ની અસ્મિતાનું પ્રતીક એવા રૂદ્રમહાલયના નિર્માણ વખતે અહીંના રાજા શ્રી સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ વૈકુંઠઘાટ અને નિજ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી.સમયાંતરે વિદેશી લુટેરા આક્રાતાંઓ દ્વારા કરાયેલા હુમલામાં અનેક દેવમંદિરો તોડીપાડી લૂંટ ચલાવી હતી જેમાં આ મંદિરને તોડી માતાજીની મૂળ મૂર્તિને પણ ખંડિત કરી હતી. ત્યાર બાદમાં ઉજ્જેન ની મહારાણી અહલ્યાબાઈ હોલ્કર દ્વારા દેવમંદિરોના પુનઃજીણોદ્ધારોના પ્રયાસો થકી દેવમંદિરો અને વિવિધ ઘાટોનાં નિર્માણકાર્ય હાથ ધરાયા હતા.પરંતુ ત્યાર બાદ સરસ્વતી નદીમાં આવેલા પુરથી આ સ્થળ ક્ષિણ થવા પામ્યું હતું. વર્તમાન સમયે અહીંના સ્થાનિક રહીશો દ્વારા માતાજીની ખંડિત થયેલી મૂર્તિને નદીમાં પધરાવી માતાજીની નવીન મૂર્તિની પુનઃપ્રાણપ્રતિષ્ઠા સિદ્ધપુર ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવાઈ હતી.અહીં આવેલ વૈકુંઠઘાટ અને પથ્થરમાંથી બનાવેલ કલાત્મક ઘાટ પણ જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઉભો હોય અને કોઈ વિકાસ પુરુષની રાહ જોઈ રહ્યો તેવું પ્રતિત થઈ રહ્યું છે.એક દાયકા પહેલા આ સરસ્વતી નદી માતાના મંદિરેથી સિદ્ધપીઠ હિંગળાજ માતાજીના મંદિર તેમજ સ્વયંભૂ શિવાલયોના દર્શનાર્થે જવા આવવા માટે આ નદીનો પટ નગરજનો માટે આશીર્વાદરૂપ હતો પરંતુ વર્તમાન સમયે તંત્રની ઉદાસીનતા કારણે અહીં જંગલી ઝાંળા,આકડીયા, બાવળીયા અને ગંદકીએ સામ્રાજ્ય જમાવેલું છે.ગંદુ દુર્ગંધ મારતા પાણીના ભરાવાથી કાદવ-કીચ્ચડમાં ઝેરી જીવજંતુઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધી પણ જવા પામ્યો છે.આ સ્થળ ની નિયમિત સફાઈ માટે આ વોર્ડના કોર્પોરેટરો પાલિકામાં રજુઆત પણ કરતા હોય છે.પરંતુ મળતી માહિતી મુજબ પાલિકામાં સફાઈકર્મીઓ પૂરતા ના હોવાથી કોન્ટ્રાકટ પદ્ધતિથી સફાઈકર્મીઓની ભરતી માટે ભૂતકાળમાં અનેક વખત રજુઆત કરાઈ હોવા છતાંય કોઈ નક્કર પગલાં ભરાયા ના હોવાનું જાણવા મળેલ છે.આ પવિત્ર,શાંત અને રમણિય સ્થળની નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે તે માટે સ્થાનિક રહીશો દ્વારા સિદ્ધપુર નગરપાલિકાને વિનંતી સહ અનેક વખત રજૂઆતો કરી હોવાનું જણાવ્યું હતું.રજૂઆતના શરૂઆતના દિવસોમાં સફાઈ કરવામાં આવે છે પરંતુ થોડા દિવસોમાં પરિસ્થિતિ જૈસે-થે થઈ જતી હોય છે તેવી ફરિયાદ ઉઠવા પામી હતી.તંત્રની ઉદાસીનતાએ આ પવિત્ર દર્શન અને પીકનીક સ્થળ પ્રવર્તમાન સમયે અવાવરું સ્થળ બની જવા પામ્યું હોવાથી અહીંયા દારૂડિયા ઓ જુગારિયા સહિત અસામાજિક તત્વોનો અડ્ડો બની જવા પામ્યો હોવાનું બુમરાડ ઉઠવા પામી છે. જેનાથી સ્થાનિક રહીશો પણ પરેશાન થઇ જવા પામ્યા છે.આ પવિત્ર અને અતિ પૌરાણિક સ્થળની નિયમિત સાફસફાઈ કરવામાં આવે તે ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here