સમગ્ર ભારતવર્ષમાં માતૃગયા તીર્થ તરીકે જાણીતું સિધ્ધપુરનું બિંદુ સરોવર

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

કપિલમુની એ નાની ઉંમર માં માતા દેવહૂતિને ઉપદેશ આપી માતાનો ઉદ્ધાર કર્યો.ઉપદેશથી કુતાર્થ થયેલી માતા દેવહુતિની આંખોમાં હર્ષના આંસુ ઉભરાયા જે નીચે ટપકતાં ત્યાં સરોવર બન્યું જે આજે બિંદુ સરોવર તરીકે ઓળખાય છે.વેદ અને પુરાણોમાં સુપ્રસિદ્ધ સિધ્ધપુરનું બિંદુ સરોવર માતૃગયા ધામ તરીકે જાણીતું છે.એક માન્યતા મુજબ હજારો વર્ષ પહેલાં મહર્ષિ કર્દમ અને માતા દેવહૂતિને નવ-નવ પુત્રીઓ બાદ પુત્રની ઝંખના માટે અતિ પ્રાચીન પવિત્ર સરસ્વતી નદીના તટે કઠોર તપસ્યા કરી હતી.જેના ફળ રૂપે કર્દમ ઋષિ અને દેવહૂતિ માતાને કૂખે ભગવાન નારાયણનો પાંચમો અવતાર અવતર્યો જે કપિલ અવતાર નામે ઓળખાય છે.કપિલ ભગવાનએ નાની ઉંમરમાં માતા દેવહૂતિને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપી માતાનો ઉદ્ધાર કર્યો. ભગવાન કપિલમુનિના ઉપદેશથી કૃતાર્થ થયેલી માતા દેવહૂતિની આંખોમાં હર્ષના આંસુ ઉભરાયા જે નીચે ટપકતાં ત્યાં સરોવર બન્યું,અને તે જ સરોવર આજે બિંદુ સરોવરના નામે ઓળખાય છે.કપિલ ભગવાને તે સમયે દેવહૂતિ માતાની સાથે અલ્પા નામ ની દાસીનો પણ ઉદ્ધાર કર્યો હતો,અને જે બિંદુ સરોવરની પાસે અલ્પા સરોવરના નામે ઓળખાય છે.ભગવાન કપિલે માતા દેવહુતિને જ્યાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો હતો તે આજે બિંદુ સરોવર માં જ્ઞાનવાટિકા(જ્ઞાન વાવ) તરીકે ઓળખાય છે.
ભગવાન કપિલમુનિ તથા ભગવાન પરશુરામે પોતાની માતાનું ઋણ ચુકવવા બિંદુ સરોવર ખાતે પિંડદાન કરી માતૃઋણ માંથી મુક્તિ મેળવી હતી.તે સમયથી સમગ્ર ભારતવર્ષ માંથી પોતાની માતાનો ઉદ્ધાર કરવા અને માતૃ તર્પણ કરવા આ ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિધ્ધપુરમાં આવેલા બિંદુ સરોવર તીર્થમાં આવે છે.ભારતભરમાં ચાર મુખ્ય સરોવર આવેલા છે જેમાં ૧.કચ્છ માં આવેલું નારાયણ સરોવર,૨. દક્ષિણમાં આવેલું પંપા સરોવર,૩.કૈલાસમાં આવેલું માનસરોવર અને ૪.સિધ્ધપુર ખાતે આવેલું બિંદુ સરોવર…આ ચારેય સરોવર હિન્દુશાસ્ત્રમાં તીર્થ સ્થાન તરીકે અતિ પ્રચલિત છે.સિધ્ધપુર બિંદુ સરોવર ખાતે વેદપુરાણોમાં બતાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વમાંથી માતૃઋણ માંથી મુક્ત થવા બિંદુ સરોવર કપિલ આશ્રમ ખાતે પિંડદાન કરી માતૃઋણ માંથી મુક્તિ મેળવવામાં આવે છે.સમગ્ર વર્ષ દરમિયાન માતૃશ્રાદ્ધ કારતક,ચૈત્ર અને ભાદરવા જેવા પિતૃમાસમાં કરવાથી પિતૃના આત્માને મોક્ષ મળે છે.જેનો મહિમા વેદપુરાણો માં વર્ણવવામાં આવેલો છે.આ જ પ્રમાણે માતા દેવહૂતિની કૂખે કપિલ ભગવાને જન્મ લેતા જે હર્ષના આંસુ સર્યા તે બિંદુ સરોવર નામે ઓળખાય છે. જ્યાં સ્નાન કરવાથી અસાધ્ય રોગો દૂર થાય છે તેવી માન્યતા પ્રચલિત છે. સિધ્ધપુર બિંદુ સરોવર ખાતે ગૌરમંડળના ચોપડાઓમાંથી જે યજમાનનું નામ નીકળે તેના કુળગોર દ્વારા શ્રદ્ધાથી ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેવું ગૌરમંડળના કિરણ ભાઈ શાસ્ત્રી જણાવે છે. કેટલીક વાર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે માતૃતર્પણ વિધિ કરવાથી આશીર્વાદ પાઠવતાં પિતૃ તેના શરીરમાં ઉપસ્થિત થઈ સ્વજનોને આશીર્વાદ આપે છે. માતૃશ્રાદ્ધ કરાવનારોનો વંશવેલો વધવાના અસંખ્ય દાખલાઓ જોવા મળ્યા છે.બિંદુ સરોવર ખાતે અનેક સંતો,મહંતો સહિત રાજકીય,સામાજિક,
ધાર્મિક તથા ફિલ્મી હસ્તી ઓ માતૃશ્રાદ્ધ કરાવી આધ્યાત્મિક શાંતિ મેળવી હોવાનું વિગતો પ્રાપ્ય છે. આમ માતૃશ્રાદ્ધ એટલે અર્પણ,તર્પણ અને સમર્પણની ભાવના….અહીં નરસિહ મહેતા,ગાંધીજી, પૂર્વ વડાપ્રધાન દેવગૌડા, મહાનાયક અમિતાભ બચ્ચન,ભારતના રાજા-રજવાડાઓ તેમજ વિશ્વમાંથી આવતા શ્રધ્ધાળુઓ માતૃતર્પણ વિધિ માટે આવી અને શ્રદ્ધાપૂર્વક વિધિ પૂર્ણ કરીને પરત થયાના ઉલ્લેખ જોવા મળે છે.શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય સન્યાસી હોવા છતાં માતાના અગ્નિસંસ્કાર સમયે ઉપસ્થિત થઈ દંડક મંડળ અને ભગવા વસ્ત્રો બાજુએ મૂકીને શ્વેતવસ્ત્ર ધારણ કરી માતાને અગ્નિસંસ્કાર કર્યા બાદ ભારતભરમાં દિગ્વિજયાર્થે વિચરણ કરતા-કરતા ત્યારે બિંદુ સરોવર તીર્થમાં પધારેલા ત્યારે માતાનું શ્રાદ્ધ કરી માતૃમુક્તિ કરેલી છે.નિમ્બાકાચાર્યજી યાત્રાર્થે અહીં આવેલા ત્યારે બિંદુ સરોવર ખાતે પ્રધાનતીર્થ કર્દમાશ્રમમાં નિવાસ કર્યો હતો અને માતૃગયા શ્રાદ્ધ કરેલું.જ્યાં આજે વિશિષ્ટ કારીગરીયુક્ત ધંટ લટકાવેલો છે.શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહા પ્રભુજી એ અત્રે પધારી માતૃગયા શ્રાદ્ધ કરી,શ્રીમદ્દ ભાગવત પારાયણ કથાની ૮૪ બેઠકો પૈકીની ૭૨મી બેઠકની અહીં સ્થાપના કરી માતૃઋણમાંથી મુક્ત થયા હતા.શ્રી રામાનુજાચાર્ય પણ અત્રે પધારી માતૃશ્રાદ્ધ કરી માતૃઋણથી મુક્ત થયા છે.સ્વામિનારાયણ ધર્મ પ્રવર્તક સહજાનંદજી મહારાજ અત્રે માતાના ઋણમાંથી મુક્તિ મેળવવા અત્રે પધાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here