શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,વિંઝોલ ખાતે કેરલના મહામહિમ રાજ્યપાલશ્રી આરિફ મોહમ્મદ ખાનનું વ્યાખ્યાન યોજાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

‘એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર’ના આદર્શને ચરિતાર્થ કરવાના સંકલ્પ સાથે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સામાજિક સમરસતા’ પર ભાર મુકતા રાજ્યપાલશ્રી

આજરોજ ગોધરાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે કેરલ રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આરિફ મોહંમદ ખાનની પ્રેરક ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વેદવ્યાસ ચેરના ઉપક્રમે ‘એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર’ના આદર્શને ચરિતાર્થ કરવાના સંકલ્પ સાથે શ્રી વેદવ્યાસ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સામાજિક સમરસતા’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી.જ્યારે ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.પ્રતાપસિંહજી ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરીને મહેમાનોને આવકાર્યા હતા.
આ તકે મહામહિમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને સ્થિતપ્રજ્ઞ મનુષ્યનાં લક્ષણો તથા જીવનમૂલ્યોની વિશિષ્ટ છણાવટ કરવામાં આવી છે.ભારતીય તત્વજ્ઞાનનો એ આધારભૂત ગ્રંથ કહેવાય છે.સાંપ્રત દેશકાલના સંદર્ભમાં આપણી સામાજિક સમરસતા જ સાંસ્કૃતિક અને જીવનશૈલીની વિવિધતા ધરાવતા આપણા આ વિરાટ દેશને એક અખંડ અને સુદ્રઢ રાખી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે, તેઓ પોતે પણ જીવનભર એક વિધાર્થીના રૂપે હંમેશા શીખતા રહ્યા છે.તેમણે શ્રી ગોવિંદ ગુરૂની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી તેમની સાથે સંકળાયેલા માનગઢ ધામ,સંપસભા વગેરે જેવા સ્થળોને અને તેના ઈતિહાસને યાદ કર્યા હતા. ભારતની પ્રાચીન સંસ્કૃતિની સાથેસાથે હજુપણ અનેક સ્થળોએ પ્રાચીનતાની અનૂભુતી જણાય છે. આમ જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે ધર્મની વ્યાખ્યા આપતા જણાવ્યું કે, ધર્મ એટલે આપણી કંઈક જવાબદારીઓ જે આપણા જીવનને પુરુષાર્થ બનાવવા માટે મદદ કરે છે.
આ પ્રસંગે ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.પ્રતાપસિંહજી ચૌહાણ,પંચમહાલ જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડ,જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમાર,રેન્જ આઈ.જીશ્રી આર.વી.અસારી,પોલીસ અધિક્ષકશ્રી હિમાંશું સોલંકી, યુનિવર્સિટીના કુલ સચિવશ્રી ડૉ.અનીલ સોલંકી સહિત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ,અધ્યાપકશ્રીઓ,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here