વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2024માં એકતાનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝળક્યા

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

” એક નગર શ્રેષ્ઠ નગર” એકતા નગરની ભાવનાને ચરીતાર્થ કરતા ઐતિહાસિક પ્રદર્શનને અદ્ભુત પ્રતિસાદ.

વિદેશી મહાનુભાવો સહિત ઔધોગિક સાહસિકો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર નો પ્રદર્શન થકી લ્હાવો માણ્યો

ગાંધીનગર ખાતે 3 દિવસ સુધી યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2024માં સમગ્ર વિશ્વના ઉદ્યોગ સાહસિકો તથા રોકાણકારો પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટનું ઉદ્ઘાટન કર્યું અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા બદલ સૌ પ્રતિનિધિઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

આ દરમિયાન સમિટમાં એક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, સમગ્ર પ્રદર્શન 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હતુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતાનગરના અધ્યક્ષ મુકેશ પુરીના માર્ગદર્શનમાં અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની રાહબરી હેઠળ દુનિયાના આ સૌથી મોટા ટ્રેડ શોમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી અને સાથે જ સમગ્ર એકતાનગરને ટ્રેડ શોમાં દર્શાવવામાં આવ્યુ હતું, “એક નગર- શ્રેષ્ઠ નગર ” એકતા નગરની ભાવનાને ચરીતાર્થ કરતા ઐતિહાસિક પ્રદર્શનને અદ્ભુત પ્રતિસાદ સાંપડયો હતો.

ટ્રેડ શોમાં એકતાનગર તથા તેના આકર્ષણોને એટલી સુંદરતા સાથે પ્રદર્શિત કરાયુ હતું કે જાણે એક મિની એકતાનગર ત્યાં વસાવી દેવામાં આવ્યું હોય. એકતા નગરના પ્રદર્શનમાં પ્રવેશ કરતા જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌ આંગતુકોનું સવિશેષ ધ્યાન ખેંચતી હતી. અને સમગ્ર પ્રદર્શનમાં બટર ફ્લાય ગાર્ડન, કમલમ પાર્ક, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી તથા નારી સશક્તિકરણ માટે એકતાનગર ખાતે ચલાવવામાં આવતી ગુલાબી ઇ-રિક્ષા પણ પ્રદર્શિત કરાઇ હતી.
એકતાનગરના મુખ્ય આકર્ષણોમાં જંગલ સફારી તથા તાજેતરમાં જ જંગલ સફારીમાં આવેલ ત્રણ મહેમાનો સફેદ સિંહ, જગુઆર અને ઉરાંગઉટાંગ મુખ્ય આકર્ષણ બન્યુ હતુ.
પેવેલિયનમાં એકતાનગર ખાતે રોજબરોજ થતી નર્મદા આરતીનું તાદર્શ્ય ચિત્રણ કરવામાં આવ્યુ હતુ તથા વર્ચ્યુઅલ રિયલિટી ની આધુનિક ટેકનોલોજીથી લોકોને નર્મદા આરતીના જીવંત દૃશ્યો પણ બતાવવામાં આવ્યાં હતા , અન્ય આકર્ષણોમાં આરોગ્ય વન તથા આયુર્વેદ વેલનેસ સેંટર વિશે પણ ટ્રેડ શોમાં માહિતી આપવામાં આવી. આ ઉપરાંત, ગ્લો ગાર્ડન, રિવર રાફ્ટિંગ તથા સરદાર સરોવર બંધની ઝાંકી પણ ટ્રેડ શોમાં જોવા મળી.
આ સાથે જ ટ્રેડ શોમાં એકતાનગરમાં ચાલતા વિકાસ કાર્યો તથા નવા આકર્ષણો મુખ્યત્વે દર્શાવવામાં આવ્યાં હતા. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે એકતાનગરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવવામાં આવી રહ્યાં છે. એકતાનગરની સ્થાનિક મહિલાઓને સશક્ત બનાવવા માટે ગુલાબી- ઇ-રીક્ષા સેવા, પીએનજી પાઇપલાઇન, સોલર એનર્જી પેનલ, ઇલેક્ટ્રિક બસો તથા ઈ-ગોલ્ફ કોર્ટની સુવિધાઓ વિશે પણ લોકોને વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી.

એકતાનગરનું પ્રદર્શન હોલ નંબર 6ના પેવેલિયન નંબર 22માં યોજાયું હતું. અહીં સમગ્ર એકતાનગરના આકર્ષણો તથા સતત ચાલી રહેલ વિકાસ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનમાં આવનાર લોકોએ એકતાનગરના પ્રદર્શનના ખૂબ વખાણ કર્યા તથા સરદાર પટેલની પ્રતિમા સાથે સેલ્ફી લેવા ઉપરાંત નર્મદા આરતીની વર્ચ્યુઅલ ટૂર પણ માણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here