રાજયમાં આંતર માળખાકીય સુવિધાઓના સૂગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમા વધારો કરવા રાજય સરકારનો મકકમ નિર્ધાર : ગૃહ રાજય મંત્રી પ્રદિપસિહ જાડેજા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લા આયોજન મંડળ બેઠકની ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા ગૃહ રાજય મંત્રી..

પચમહાલ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ: સાત તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૧૮૩ લાખના ૭૩૭ વિકાસ કામો મંજૂર

ગુજરાત પેટર્ન યોજના હેઠળ સાત તાલુકાઓની તાલુકા આદિજાતિ વિકાસ સમિતીઓ દ્વારા રૂા. ૧,૩૨૭.૫૩ લાખના ૧,૦૫૨ કામો મંજૂર
પંચમહાલ ખાતે સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ સહભાગી થઈ કર્યો વિચાર વિમર


ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયમાં આંતર માળખાકીય સુવિધાઓના સૂગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે.આ માટે સમયબધ્ધ આયોજન અને જરૂરી નાણાંકીય ફાળવણી કરીને અસરકારક કામગીરી કરી છે જેના પરિણામે નાગરિકોને મળતી સુવિધાઓમા વધારો થયો છે.
આજે પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ગૃહ રાજય મંત્રીશ્રી જાડેજાએ ગાંધીનગર ખાતેથી વિડીયોકોન્ફરન્સના માધ્યમ દ્વારા પંચમહા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજીને નવા વિકાસકામોના આયોજનો અને થયેલ વિકાસકામોની સમીક્ષા કરતા કહ્યુ કે, રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસકામોનુ આયોજન થઈ રહ્યુ છે.કોરોનાના કપરાકાળમાં પણ અસરકારક આયોજનના પરિણામે રાજયની વણથંભી વિકાસ યાત્રાને અટકવા દીધી નથી. કોરોના અંતર્ગત પણ રાજય સરકારની પરિણામલક્ષી કામગીરીના પરિણામે સંક્રમણને અટકાવવામાં સફળતા મળી છે એટલુ જ નહી નાગરિકોને ઉત્તમ પ્રકારની આરોગ્યલક્ષી સારવાર પણ રાજયભરમાં ઉપલબ્ધ બનાવીને સુવિધાઓ પૂરી પાડી છે. અને સંભવિત ત્રીજી લહેર મેટે એકશન પ્લાન બનાવીને અધિકારીઓને જવાબદારી પણ સોપી દેવાઈ છે ત્યારે આગામી જિલ્લા કક્ષાના વિકાસકામોમાં આરોગ્યના કામોને પ્રાધાન્ય આપવુ જોઈએ તેમ તેમણે ઉમેર્યુ હતું
ગૃહ મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, પંચમહાલ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ અન્વયે રૂપિયા ૯૨૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેની સામે સાત તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૬૭ લાખના ૭૧૫ વિકાસ કામો મંજૂર કરાયા છે. જેમાં પીવાના પાણીના કામો, રોડ-રસ્તા, પેવર બ્લોક, ગટર/ડ્રેનેજ, સેનિટેશન, નાળા, પૂર સંરક્ષણ દિવાલ વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે વર્ષ ૨૦૨૧-૨૨ માં ન્યુ ગુજરાત પેટર્ન યોજના અન્વયે રૂા. ૧,૧૯૬.૧૧ લાખની જોગવાઈ સામે સાત તાલુકાઓની તાલુકા આદિજાતિ વિકાસ સમિતીઓ દ્વારા રૂા. ૧,૩૨૭.૫૩ લાખના ૧,૦૫૨ કામો મંજૂર કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રી એ ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રીના ૧૦ મુદ્દાના કાર્યક્ર્મ અન્વયે યોજના અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સિંચાઇ, રસ્તાઓ, વીજળીકરણ, પશુપાલન, ખેતીવાડી, ડેરી વિકાસ, મત્સ્યોદ્યોગ, વનવિકાસ, સહકાર, ગ્રામ વિકાસ, રોજગારલક્ષી તાલીમના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોવિડના થર્ડ વેવ માટે કરાઈ રહેલ પૂર્વ તૈયારીઓ તેમજ જિલ્લામાં વેક્સિનેશન અને સંક્રમણની હાલની સ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવતા ત્રીજી લહેરની અસર તદ્દન નહિવત રહે તે માટે વેક્સિનેશન વધારવા પર તેમજ બીજી લહેરના પીક દરમિયાન સર્જાયેલ બેડ અને ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તે અનુસાર વ્યવસ્થા ગોઠવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વેક્સિનેશન અને માસ્ક સહિતના બચાવના પગલાઓનું નાગરિકો અનુસરણ કરે તે સુનિશ્ચિત કરતું અભિયાન સતત ચાલુ રાખવા સૂચના આપી હતી. તેમણે પોઝિટીવિટી રેટ નિશ્ચિત સ્તર કરતા ઉંચો જાય ત્યારે ટેસ્ટિંગ, ઓક્સિજન બેડની સંખ્યા-ઓક્સિજનની આપૂર્તિ, મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ સહિતના માનવ સંસાધનો ઝ઼ડપથી વધારી શકાય તે રીતે જિલ્લાના પદાધિકારીઓને સાથે રાખીને આયોજન કરવા જણાવ્યું હતું. સેકન્ડ વેવમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઓક્સિજન આપૂર્તિને લઈને કરાયેલ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરતા થર્ડ વેવ દરમિયાન દૈનિક 24 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડી શકાય તે માટે જિલ્લામાં સ્થપાઈ રહેલા પીએસએ પ્લાન્ટ્સ સહિતની સુવિધાઓમાં થયેલ પ્રગતિ અને હાલના 350 ઓક્સિજન બેડ છે તે વધારીને 550 બેડ કરવા માટેના આયોજનની વિગતો મેળવી હતી. દૈનિક ધોરણે 500 કેસો આવે તો પણ સ્થિતિને સામાન્ય રીતે હેન્ડલ કરી શકાય તે રીતે આયોજન કરવા મંત્રીશ્રી નિર્દેશ આપ્યો હતો. થર્ડ વેવમાં વાયરસ બાળકોને વધુ અસર કરે તેવી સંભાવનાને જોતા જિલ્લામાં બાળકો માટેના વેન્ટિલેટર, પિડીયાટ્રીશ્યન પૂરતા પ્રમાણમાં ઉપલ્બધ રહે તે અંગે તેમજ કોરોના સારવાર માટે બેડ સહિતનો ડેટા અને અન્ય માહિતી ઝડપથી મળે તે માટે કન્ટ્રોલરૂમમાં એક અસરકારક ડેશબોર્ડની વ્યવસ્થા ઝડપથી કાર્યરત કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં હાલોલ પ્રાંત ઓફિસ ખાતેથી કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કામિનીબેન સોલંકી, જિલ્લાના સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વશ્રીઓ સી.કે.રાઉલજી, સુશ્રી નિમિષાબેન સુથાર, સુમનબેન ચૌહાણ, તાલુકા પંચાયત-નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, પ્રાયોજના વહીવટદારશ્રી એસ.કે. રાઠોડ, આયોજન અધિકારીશ્રી ભાભોર, સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત પોતાના વિસ્તારના આયોજન સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here