પંચમહોત્સવના સુચારુ આયોજન અંગે એક મિનાર મસ્જિદ પાવાગઢ-ચાંપાનેર ખાતે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં આગામી પંચમહોત્સવના સુચારુ આયોજનને લઈને વર્લ્ડ હેરિટેજ સાઈટ,એક મિનાર મસ્જિદ પાવાગઢ-ચાંપાનેર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરશ્રીએ મીડિયાકર્મી મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૧૫થી દરવર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાતો પંચમહોત્સવ ગુજરાત સહિત ભારતભરમાં અગત્યના તહેવાર તરીકે ઉજવાય છે.તેમણે કહ્યું કે,પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર – પાવાગઢ ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તમામ સ્મારકોની સાચવણી કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે, આ સાઈટ ખાતે અલગ અલગ ૧૧૪ જેટલાં સ્મારકો આવેલાં છે,જે ગુજરાતનાં ઇતિહાસમાં અનેરું સ્થાન ધરાવે છે.આજે લાખો શ્રદ્ધાળુઓ પાવાગઢ મહાકાળી માતાજીનાં દર્શન કરે છે તથા સતત આ સંખ્યામા વધારો નોંધાઈ રહ્યો છે.આ સ્થળને ગુજરાત સરકારે વિકસાવતા અહીં દિન-પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.તેમણે આ સાઈટના ઇતિહાસ અંગે પત્રકાર મિત્રોને માહિતી આપી હતી.
વધુમાં,જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે,પંચમહાલ જિલ્લાના પ્રવાસન અને સાંસ્કૃતિક ધરોહર એવા ચાંપાનેરના ઇતિહાસ અંગે લોકો માહિતી મેળવી શકે તથા તેનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેને પ્રસિદ્ધિ મળે તે હેતુસર, આ સાઈટ ખાતે દરવર્ષે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવનું આયોજન હાથ ધરવામા આવે છે.ચાલુ વર્ષે પણ તારીખ ૨૫ થી ૨૯ ડિસેમ્બર,૨૦૨૩ દરમિયાન પાવાગઢ -ચાંપાનેર સ્થિત હાલોલના વડા તળાવ ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે જિલ્લા કલેકટરશ્રીએ ચાલુ વર્ષે યોજાનાર પંચમહોત્સવના સુચારુ આયોજન,ક્રાફટ બજાર,ફૂડ સ્ટોલ,ટેન્ટ સિટી,હેરિટેજ વૉક,એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની એક્ટિવિટી બાબતે પણ માહિતી આપી હતી.તેમણે તમામ જાહેર જનતાને પંચમહોત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં હાલોલ પ્રાંત અધિકારીશ્રી પ્રણવ વિઠ્ઠાણી,નાયબ માહિતી નિયામક સુશ્રી પારૂલ મણિયાર,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ, હાલોલ મામલતદારશ્રી બી.એમ.જોશી સહિત પંચમહાલ જિલ્લાના પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here