પંચમહાલ : સરકારી જમીન પર દબાણ કરનાર સામે કડક પગલાં લેવા, લૅન્ડ ગ્રેબિંગ એકટનો અસરકારક અમલ કરવા જિલ્લા કલેકટરની સૂચના

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લામાં સંકલન સમિતી ભાગ-૧ અને ૨ ની બેઠક યોજાઇ

કોરોના મહામારી દરમિયાન સ્થગિત રહેલી સંકલન સમિતિની બેઠક પુનઃ શરૂ

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ની બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટરશ્રીએ આગામી ૨ વર્ષમાં નિવૃત થતા હોય તેવા કર્મચારીઓના પેન્શન કેસો અત્યારથી તૈયાર કરવા અને નિવૃત્તિ બાદ પેંશન માટે ધક્કા ન ખાવા પડે તે માટે આ એ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે પેન્શનર સેલ કાર્યરત કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જમીન માફિયાઓને નશ્યત કરવા લાગુ કરાયેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટના અસરકારક અમલ અંગે માર્ગદર્શન આપતા તેમણે સરકારી જમીન ઉપર પ્રોફિટ કરવાના હેતુથી દબાણના કિસ્સાઓ ઉપર ખાસ ધ્યાન આપી તેની અમલવારી કરવા જણાવ્યું હતું. તકેદારી કમિશનરશ્રી દ્વારા અપાયેલ સૂચનાઓનો ઉલ્લેખ કરતા જિલ્લા સમાહર્તાશ્રી દ્વારા દરેક કચેરીમાં ઇન્ટર્નલ ઇન્સ્પેક્શનની કામગીરી નિયમિત કરવા જણાવ્યું હતું. દરેક કચેરીમાં સીસીટીવી કાર્યરત હોવાને ઇચ્છનીય ગણાવતા આ બાબતે જરૂરી માર્ગદર્શન-મદદ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત, ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીની ભલામણ સાથે આવેલી અરજીઓ, રજૂઆતોનો નિકાલ કરતા અગાઉ આ સંબંધે થયેલી નક્કર કામગીરી નિવાસી અધિક કલેક્ટરશ્રી અથવા મંત્રીશ્રીની ભલામણના કિસ્સામાં જિલ્લા કલેક્ટરશ્રીના ધ્યાને મુકવા સૂચના આપી હતી. સીએમ ડેશબોર્ડ પર પોતાના વિભાગને લગતી માહિતી નિયમિત રીતે અપડેટ કરવા અને રેન્કિંગ સુધારવા માટે અસરકારક કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી. કચેરીઓ દ્વારા વિજિલન્સના અહેવાલની ગુણવત્તા સુધારવા તેમણે ટકોર કરી હતી. ફિક્સ પગારના કર્મચારીઓને ફીકસેશનનો સમય પૂરો થતા ફુલ પગારમાં કરવામાં કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવા તેમણે તમામ કચેરીઓના વડાને આદેશ આપ્યો હતો. આરટીઓ ઓફિસની સામે એકત્રિત થતા લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની પગલાનું કડક પાલન કરે તે બાબતે સૂચના આપી હતી. આ ઉપરાંત, લાભાર્થીની પસંદગી પ્રક્રિયામાં પારદર્શકતા
જળવાય તે સુનિશ્ચિત કરવા સૂચના પણ તેમને આપી હતી. બેઠકમાં હોસ્પિટલમાં આગ અને અકસ્માતનાં બનાવ ન બને તે માટે માર્ગદર્શિકા અનુસારની કામગીરી કરવા જણાવ્યું હતું. દરેક નગરપાલિકા ફાયર વિભાગની મોકડ્રીલ ગોઠવે અને રિપોર્ટ કરે તે માટે જણાવ્યું હતું. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પેન્ડિંગ છે તેમને ખાતા ખોલાવવા સહિતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને શિષ્યવૃતિ ના લાભો અપાવવા માટે કડક સૂચના આપી હતી. સંકલન સમિતિ ભાગ-૨ની બેઠકમાં ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે. રાઉલજી દ્વારા કરેલ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી આવતી સંકલન બેઠકમાં તે અંગે માહિતી આપવા આદેશ આપ્યા હતા. બેઠકમાં જિલ્લાના પોલીસ વડા ડો. લીના પાટીલ, નાયબ વન સંરક્ષક શ્રી એમ. મીણા, નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણીયા સહિતના જિલ્લાની સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here