પંચમહાલ જિલ્લામાં 62,005 નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડ ધારકોને એપ્રિલ માસના રાશનનું વિનામૂલ્યે વિતરણ કરાયું

ગોધરા,

પ્રશાંત ત્રિવેદી, ગોધરા માહિતી બ્યુરો

73.33 ટકા એપીએલ-1 કાર્ડધારકોને આવરી લેવાયા

3762 રેશનકાર્ડ ધારક પરિવારોએ સ્વેચ્છાએ પોતાનો જથ્થો જતો કર્યો

લોકડાઉન દરમિયાન કોઈપણ વ્યક્તિને રોજિંદા રાશનની તકલીફ ન પડે તેવા સંવેદનશીલ અભિગમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્નસુરક્ષા યોજના હેઠળ સમાવિષ્ટ ન થતા રેશનકાર્ડ ધારકોને પણ એપ્રિલ મહિનાનું રાશન વિનામૂલ્યે વિતરીત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા અત્યાર સુધી 62,005 નોન એનએફએસએ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં કુલ 84,553 નોન એનએફએસએ APL-1 કાર્ડધારક પરિવારો છે, જેમના લાભાર્થીઓની સંખ્યા 3,59,991 થવા જાય છે. આ કુલ રેશનકાર્ડ ધારક પરિવારો પૈકી 18મી એપ્રિલ,2020ની સ્થિતિએ 73.33 ટકા પરિવારોને એપ્રિલ મહિનાના રાશનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. તાલુકાવાર સ્થિતિ જોઈએ તો, કાલોલ તાલુકામાં 8800, ગોધરા તાલુકામાં 19,007, જાંબુઘોડા તાલુકામાં 402, ઘોઘંબા તાલુકામાં 1990, મોરવા હડફ તાલુકામાં 1058, શહેરા તાલુકામાં 2070 અને હાલોલ તાલુકામાં 4591 એપીએલ-1 રેશનકાર્ડ ધારકોને રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.


રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોને પણ રાશનની તંગી ન પડે તે હેતુથી નોન એનએફએસએ APL-1 કાર્ડધારકોને વાજબી ભાવની દુકાનો પરથી રેશનકાર્ડ દીઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૦૩ કિ.ગ્રા. ચોખા, ૦૧ કિ.ગ્રા.ખાંડ તથા ૦૧ કિ.ગ્રા. ચણા/ચણાદાળનું તા. 13મી એપ્રિલથી 18મી એપ્રિલ સુધી વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર હજી પણ કોઈ લાભાર્થીને મળવાપાત્ર જથ્થો લેવાનો રહી ગયો હશે તો તેનું વિતરણ કરવામાં આવશે.
જિલ્લાના 3762 રેશનકાર્ડ ધારક પરિવારોએ પોતાનો જથ્થો જતો કર્યો
જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ એપીએલ-01 કાર્ડ ધરાવતા જિલ્લાના સુખી સંપન્ન લોકો આ રાશન મેળવવાનો હક જતો કરી જરૂરિયાતમંદોને આ જથ્થો મળે તે માટેનું સામાજિક દાયિત્વ અદા કરે તેવી સંવેદનશીલ અપીલ કરી હતી. જેને ઉપાડી લઈ જિલ્લાના કુલ 3762 રેશનકાર્ડ ધારક પરિવારોએ મળવાપાત્ર ફૂડ બાસ્કેટનો જથ્થો જતો કરીને અનુકરણીય પગલું ભર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here