પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ થકી બાળ અધિકારનુ હનન થતું અટકાવવા શિબિર યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારનુ હનન થતાં અટકાવવા માટે દેશના ૭૫ જિલ્લા નક્કી કરવામા આવ્યાં છે. દેશમા બાળકોના ૨૫%થી વધારે આદિવાસી વસતી ધરાવતા જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામા આવે છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત પોલીસ મુખ્ય મથક જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અંતર્ગત સ્થાપિત કરવામા આવેલ કેન્દ્ર સરકારની ન્યાયિક સંસ્થા દ્વારા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ગોધરામાં બંધારણીય જોગવાઈ, વિવિધ કાયદાઓ અને નિયમોમા બાળકોને મળતા અધિકારો સુનિશ્ચિત કરી બાળકોના અધિકારોનુ હનન થતા અટકાવવા માટે શિબિરનું આયોજન કરાયું હતું. આજના કાર્યક્રમની શરૂઆત સ્વાગત, પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટયથી કરાઈ હતી.

આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના મેમ્બર સેક્રેટરી શ્રીમતી રૂપાલી બેનર્જી સિંઘની અધ્યક્ષતામાં જિલ્લામાંથી પ્રાપ્ત થયેલ કુલ ૨૫૨ અરજીઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જેમાં પીડિત વ્યક્તિના પરિવારજનોની રજૂઆતો સાંભળીને ત્વરિત નિર્ણય અને નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ રજુઆતોમાં નાની ઉંમરમાં ઘરેથી ભાગી ગયેલ બાળકો, ગુમ થનાર બાળકો, દિવ્યાંગતા, જર્જરિત શાળાના પ્રશ્નો, આધાર કાર્ડને લગતા પ્રશ્નો, શિક્ષણ અને આરોગ્યને લગતા વગેરે પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધિક જિલ્લા કલેકટરશ્રી દ્વારા શાબ્દિક ઉદબોધન કરાયું હતું તથા મંચ પરથી વિવિધ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્ર અપાયા હતા. જિલ્લાના પોલીસ વિભાગ, આઈ.સી.ડી.એસ, મહિલા અને બાળ વિકાસ, સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આરોગ્ય અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા લોકોને સ્થળ પર સહાયતા પ્રાપ્ત થઈ શકે તે માટે સ્ટોલ ઊભા કરાયા હતા. આ સાથે આધારકાર્ડ કીટ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મેડિકલ સર્ટીની સુવિધા ઉભી કરાઈ હતી જેનો લાભ લોકોએ લીધો હતો.

આ શિબિરમાં જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના શ્રી ત્રિવેદી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ પંડ્યા, અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી,બાળ સુરક્ષા અધિકારીશ્રી,જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીગણ/ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here