પંચમહાલ જિલ્લામાં પોષણમાહ ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની હરિફાઈ યોજાઈ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

બાળકો અને સગર્ભા માતાઓને ભાવે તેવી પૌષ્ટિક રેસીપીઓના આદાન પ્રદાન માટે એક પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો પ્રયાસ :- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ

બાલશક્તિ, પૂર્ણા શક્તિ અને માતૃશક્તિનો ઉપયોગ કરી તૈયાર કરાયેલ વાનગીઓનું નિદર્શન કરાયું

જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કરી ઉત્સાહવર્ધન કર્યું

જિલ્લામાંથી શ્રેષ્ઠ દસ એન્ટ્રીઓ રાજ્ય કક્ષાએ મોકલાશે

પંચમહાલ જિલ્લામાં બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિ સુધારવાના પોષણ માહ અભિયાનની થઈ રહેલ ઉત્સાહભેર ઉજવણી અંતર્ગત આજે પોષક વાનગીઓની હરિફાઈ યોજાઈ હતી. જનસામાન્યમાં પોષણયુક્ત ખોરાક અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી એક નવતર પ્રયોગના ભાગરૂપે પૌષ્ટિક વિસરાતી વાનગી અથવા ટીએચઆરનો ઉપયોગ કરી વાનગીઓ બનાવવાની આ સ્પર્ધામાં ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે ઉપસ્થિત રહી નિદર્શિત કરાયેલ વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કુપોષણ સામેની લડાઈમાં બાળકોને ભાવે તેવી રેસીપીઓ વિકસાવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા અપાતા પોષણયુક્ત આહારના પેકેટમાંથી સ્વાદની રીતે પણ મોટા પાયે સ્વીકાર્ય બને તેવી વાનગીઓ બનાવવાની હરિફાઈ બાળકો અને સગર્ભા માતાઓને ભાવે તેવી પૌષ્ટિક રેસીપીઓના આદાન- પ્રદાન માટે એક પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો સુંદર પ્રયાસ છે. જિલ્લામાં કુપોષણ સામેની લડાઈમાં અતિ અગત્યની ભૂમિકા ભજવતી આંગણવાડીની બહેનો બાળકોને ભાવે તેવી પોષકતત્વોથી ભરપૂર એવી અવનવી વાનગીઓની નવીન રેસીપીઓથી પરિચિત થાય, આ રેસીપીઓ વધુ પ્રચલિત થાય તે માટે આ તંદુરસ્ત હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉપસ્થિત આંગણવાડી કાર્યકર્તાઓને પોષક તત્વો જળવાઈ રહે તે રીતે બાળકો વધુને વધુ પ્રમાણમાં સ્વીકારે તેવી નવી રેસીપીઓ વિકસાવવા-તેમનો મહત્તમ પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું. જિલ્લાના સાત તાલુકાઓમાંથી ૩૦ જેટલી આંગણવાડી કાર્યકર્તાઓ અને કિશોરીઓની ટુકડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જિલ્લામાંથી શ્રેષ્ઠ દસ એન્ટ્રીઓને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. સમિતી દ્વારા આ એન્ટ્રીઓમાંથી નવીનતા, સ્ટેપલ ફૂડનો ઉપયોગ, સ્વીકાર્યતા, બનાવવાની પદ્ધતિ, પોષણના મૂલ્યો સહિતની બાબતોના આધારે આ એન્ટ્રીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શ્રી શાહે આંગણવાડી બહેનોને કોરોના દરમિયાન રાખવાની થતી કાળજીઓ અંગે અને લક્ષણો દેખાયે નજીકના કેન્દ્ર પર જઈ ટેસ્ટ કરાવવા બાબતે પણ તાકીદ કરી હતી. આ પ્રસંગે ડેપ્યુટી ડીડીઓ શ્રી ભાભોર, આરસીએચઓ શ્રી પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વી.એમ.પટેલ, જિલ્લાના ન્યુટ્રીશન્ટ કન્સલ્ટન્ટ સહિતના અધિકારીઓ તેમજ આંગણવાડી કાર્યકર્તાઓ અને કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here