પંચમહાલ જિલ્લામાં દિવાળી દરમિયાન ફટાકડાના વેચાણ, સંગ્રહ-ઉપયોગ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

ફટાકડાની લૂમ, સ્કાય લેન્ટર્ન, વિદેશી ફટાકડાના ઉપયોગ-વેચાણ, સંગ્રહ પ્રતિબંધિત

રાત્રે ૨૦.૦૦ કલાકથી ૨૨.૦૦ દરમિયાન જ ફટાકડા ફોડવાના રહેશે

પંચમહાલ જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન જાહેર જનતાન સલામતી અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ફટાકડાના ખરીદ, વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.બી.બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત નીચે મુજબના નિયંત્રણો નાંખવામાં આવ્યા છે. જે મુજબ સમગ્ર જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૨૦.૦૦ કલાકથી રાત્રિના ૨૨.૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા વેચી/ વાપરી શકાશે. આ ઉપરાંત આવા ફટાકડાના દરેક બોક્સ પર PESOની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે. સિરીઝમાં જોડાયેલ ફટાકડા (ફટાકડાની લૂમ) તેમજ સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજી બલુન)ના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત, સંગ્રહ કે વેચાણ કરી શકાશે નહીં. આ ઉપરાંત, ઈ-કોમર્સ વેબાસાઈટ પર ફટાકડાનું વેચાણ કે ખરીદ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. લોકો માટે ભયજનક સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થોના ગોદામો નજીક દારૂખાનું ફોડી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ સમગ્ર જિલ્લામાં તા. ૧૪/૧૧/૨૦૨૦થી તા. ૩૦/૧૧/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ તથા જી.પી.
એક્ટની કલમ-૧૩૧ હેટળ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here