પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ

ગોધરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ગોધરા, હાલોલ, કાલોલ અને શહેરાના કુલ ચાર કેન્દ્રો ખાતે કોરોના વોરિયર્સને રસી આપવા સાથે રસીકરણનો શુભારંભ

પ્રથમ દિવસે કુલ ૪૦૦ આરોગ્યકર્મીઓને કોવિશિલ્ડ વેક્સિન આપવાની શરૂઆત

મહિનાઓથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી કોરોના વેકસીનેશન ડ્રાઈવનો સમગ્ર દેશમાં પ્રારંભ થવા સાથે પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા, હાલોલ, કાલોલ અને શહેરા એમ કુલ ચાર કેન્દ્રો ખાતે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવા સાથે રસીકરણ અભિયાનનો શુભારંભ થયો છે. જિલ્લામાં આ નિમિત્તે યોજાયેલ ચાર મુખ્ય કાર્યક્રમમાં કાલોલ ખાતે સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ગોધરા ખાતે ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, શહેરા ખાતે ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ અને હાલોલ ખાતે ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ સહિતના મહાનુભાવો દ્વારા જિલ્લામાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. કોરોના સામેની જંગમાં સંક્રમણનું જોખમ વહોરીને સતત ફરજ બજાવનાર કુલ ૪૦૦ આરોગ્યકર્મીઓને રસી મુકવામાં આવી છે. જે પૈકી દરેક કેન્દ્ર પર ૧૦ લાભાર્થીઓને મહાનુભાવોની ઉપસ્થિતમાં જ નિર્દેશિત માર્ગદર્શિકાનું પાલન કરતા રસી આપવામાં આવી હતી. ગોધરા ખાતે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. પીનલ ગાંધી, આયુર્વેદિક એસોસિએશનના પ્રમુખ ડૉ. શ્યામસુંદર શર્મા, શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. સુજાત વલી સહિતના શહેર અને જિલ્લાના અગ્રગણ્ય તબીબો અને સ્વાસ્થ્ય કર્મચારીઓને શરૂઆતમાં રસી મુકવામાં આવી હતી. રસી મુક્યા બાદ તમામને ૩૦ મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડીને સંભવિત આડઅસર બાબત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. હાલના તબક્કે રસી લેનાર કોઈને આડઅસર થયેલ જણાઈ નહોતી.
આ અગાઉ ગોધરાના સરદારનગર ખંડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોલતા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમયસર લોકડાઉન સહિતના તકેદારીના પગલાંઓ અસરકારક રીતે લેવાના પરિણામે દેશમાં કોરોનાની વિપરીત અસરો અન્ય દેશોની તુલનાએ ઘણી ઓછી રહી છે અને હવે કોરોના સંક્રમણ સામે સ્વદેશી વેક્સિન આવી જતા કોરોના સામેની લડાઈ લાંબી નહીં ચાલે. નિષ્ણાતો દ્વારા પૂરતા પૂર્વ પરીક્ષણો બાદ રસીને મંજૂરી આપવામાં આવી છે ત્યારે રસીથી ગભરાવાની કોઈ જરૂર નથી અને સ્વદેશી વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવયેલ આ રસીઓ દેશવાસીઓને આ ભયાનક મહામારી સામે સુરક્ષિત બનાવશે. જેથી સરકારે જાહેર કર્યા અનુસારની તકેદારીઓ સાથે રસીકરણનો લાભ લેવા અને તે માટે જાહેર કરાયેલા પગલાઓને અનુસરવા તેમણે જાહેર અપીલ કરી હતી. રસી લીધા પછી પણ કોરોના અંગેની માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ સહિતની સાવચેતીઓનું પાલન કરવાનું છે જ તેવો આગ્રહ તેમણે કર્યો હતો. સ્વાસ્થયકર્મીઓને તેમની કોરોના સામેની કામગીરી બદલ બિરદાવતા તમામ કોરોના વોરિયર્સને ક્રમશઃ રસીકરણ હેઠળ આવરી લેવાશે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ જિલ્લાના રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્સિનના કુલ 11,320 ડોઝ ફાળવવામાં આવ્યા છે.
આ પ્રસંગે જીલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ એપીએમસીના ચેરમેન શ્રી રાજુભાઈ ચૌહાણ સહિતના અગ્રણી નાગરિકો, નર્સિંગ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here