પંચમહાલ જિલ્લામાં આવતીકાલે તમામ સરકારી કચેરીઓમાં કોવિડ-૧૯ અંગે જાગરૂકતા શપથ લેવાશે

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

કોવિડ-૧૯ સંક્રમણના ફેલાવાને રોકવાના તમામ ઉપાયોનું પાલન કરવા અંગે કર્મચારીઓ પ્રતિજ્ઞા લેશે

શપથ અભિયાનમાં જોડાઈ કોરોના સામે બચાવના પગલાઓ અંગે જાગૃતિમાં સહયોગ આપવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

કોવિડ-૧૯ સંક્રમણ સામે બચાવના પગલાઓની જાગૃતિ સંદર્ભે ભારત સરકાર દ્વારા ૭મી ઓકટોબરથી મોટાપાયે જાગરૂકતા જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલે ૧૫મી ઓક્ટોબરના રોજ તમામ સરકારી કચેરીઓ, બોર્ડ-નિગમની ઓફિસો સહિતના સ્થળોએ કોવિડ-૧૯ સંક્રમણને રોકવા હેતુ આવશ્યક તમામ પગલાઓનું પાલન કરવા માટે શપથ લેવામાં આવશે તેમજ આ અંગે લોકોમાં જાગૃતિ અંગે પ્રયાસો કરશે. જિલ્લા કલેક્ટરશ્રીએ એક અપીલમાં પોતાના કામના સ્થળે અથવા ઘરે કોરોના સામે બચાવના આવશ્યક તમામ પગલાઓનું પાલન કરવા સંદર્ભે પ્રતિબદ્ધ થવા અંગેની શપથ લેવાના અભિયાનમાં સામેલ થવા તેમજ આ રીતે સંક્રમણ સામે બચાવ અંગેના જાગૃતિ અભિયાનમાં પ્રદાન આપી સહયોગ આપવા જણાવ્યું હતું. આ શપથ અભિયાનમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ધર્મગુરુઓ, અગ્રણીઓ, મહાજનો-સમાજના તમામ વર્ગના લોકો મોટાપાયે જોડાશે. શપથમાં માસ્ક, ૬ ફુટનું અંતર જાળવવું, રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગેના ઉપાયોનું પાલન સહિતની પ્રતિબદ્ધતાઓ સામેલ છે.

આ અભિયાન અંતર્ગત આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓએ કોવિડ-૧૯ સંદર્ભે જાગૃતિ શપથ લીધા હતા. શ્રી શાહે અધિકારીઓને આ જાગૃતિ અભિયાન અંતર્ગત કરવાની પ્રવૃત્તિઓ અને આવતીકાલે તાબા હેઠળની કચેરીઓમાં શપથ ગ્રહણના આયોજન અંગે માર્ગદર્શન- સૂચના આપ્યા હતા. કોરોના સંક્રમણનું જોખમ હજી ટળ્યું નથી ત્યારે આગામી તબક્કામાં ક્યા પ્રકારે અસરકારક કામગીરી કરવી તેમજ સરકારી કર્મચારીઓ સહિત સામાન્ય જનને આ બાબતે કઈ રીતે જાગરૂક કરવા અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here