નર્મદા મૈયાના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી નર્મદા મૈયાની પુજાપાઠ કર્યાબાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા બન્યા સહભાગી

ગરુડેશ્વર,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા માતાના દર્શન કરવાથી ધન્યતાનો અનુભવ થાય છે- માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી

ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે હાથ ધરાયેલ પંચ દિવસીય “નદી ઉત્સવ” ઉજવણીના ભાગરૂપે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આજે સમાપન સમારોહમાં માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા, સહિત અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ, આંગણવાડીની બહેનો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા આરતી તથા પુજાવિધિના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણી ગુજરાતની સાબરમતી, તાપી અને નર્મદા નદીના તટે અનેકવિધ કાર્યક્રમો થકી નદીઓને ઉજાગર કરવાનું કામ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા સહુની પણ એટલી જ જવાબદારી છે કે નદીઓને સ્વચ્છ રાખીએ. તેનું જતન કરવા ઉપરાંત તેની જાળવણી કરવા જણાવ્યું હતું.

નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી સમાન છે ત્યારે અનેક ગામડાઓ અને શહેરો નદી કિનારે વસતા હોવાથી પીવાનું શુદ્ધ પાણી આપવાની સાથે લોકોને સ્વરોજગારી પણ નદીઓએ આપી હોવાનું જણાવ્યું હતું. નદીના દર્શન કરવાથી ધન્યતાની અનુભુતિ થતી હોય છે.

વધુમાં પૂર્ણેશ મોદીએ ઉમેર્યું હતું કે, મનુષ્યના જીવનમાં નદીઓનો અનન્ય ફાળો રહેલો છે. ત્યારે આવનારી પેઢીઓને પણ તેનો લાભ મળે તેના માટે નદીઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની સાથે નદીઓની સ્વચ્છતા જાળવાવની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. નદીઓ થકી જ અનેક સજીવ સૃષ્ટિનુ નિર્માણ થયું હોવાની સાથે પર્યાવરણ નહી રહે તો મનુષ્યનું અસ્તિત્વ પણ ખુબ જ મુશકેલીઓ વાળું બની જશે તેની સાથોસાથ અંબાજીથી લઇને ઉમરગામ સુધીના તમામ લોકો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધતા હોવાનું જણાવ્યું હતું.

પર્યાવરણની જાળવણી કરવાની સાથોસાથ વધુમાં વધુ લોકોને વૃક્ષારોપણ કરવા તેમજ પ્રદુષણને ફેલાતું અટકાવવા માટે ઈલેક્ટ્રીક અને ગેસ આધારિત વ્હીલ વાપરવાની મંત્રીશ્રીએ હિમાયત કરી હતી. વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે અને શરીરની તંદુરસ્તી પણ જાળવી શકાય છે. ભારત દેશમાં અનેક નદીઓ આવેલી છે તેનું આપણે સૌએ જતન અને જાળવણી કરવા સંકલ્પ બધ્ધ થવા જણાવ્યું હતું.

ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ઘાટ ખાતે શ્રી ગરૂડેશ્વર દત સંસ્થાના પુજારીઓએ મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે નર્મદા મૈયાની પુજાપાદ કર્યાબાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા સહભાગી બન્યા હતા .પ્રારંભે કાર્યક્રમના સંચાલક દિનેશભાઈ નાયે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં આભાર દર્શન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ, પૂર્વ સદસ્ય શ્રીમતી શારદાબેન તડવી, ગરૂડેશ્વરના સરપંચ બાલુભાઈ વસાવા, પ્રાત અધિકારીશ્રી કે. ડી. ભગત, ગરૂડેશ્વર મામલતદાર મિતેશભાઇ પારેખ, કરજણ સિચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ. એમ.પટેલ,ગરૂડેશ્વર તાલુકા વિકાસ અધિકારી આર. એન. રાઠવા, જિલ્લાના અગ્રણી કમલેશભાઈ પટેલ, શ્રવણભાઈ, વિક્રમભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here