નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ ની બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કાયદો વ્યવસ્થા, રોડ સેફ્ટી, સંકલન પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે કલેક્ટર ની સૂચના

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંગભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓએ બેઠકમાં ઉપસ્થિત રહીને પ્રશ્નોના કાયમી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા ખાણખનીજ, કરજણ ડેમ આધારિત સિંચાઈનું પાણી, કેનાલ નેટવર્ક રિપેરીંગ અને જાળવણી, મેઈન્ટેનન્સ, આરોગ્ય, શિક્ષણ જેવી બાબતો અંગે રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા સાથે રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં સુધારો-વધારો લાવવા આપીલ કરી હતી.

નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ દ્વારા આરોગ્ય, પી.એમ.જે.એ.વાય. કાર્ડ ખાનગી હોસ્પિટલમાં ચાલુ કરાવવા, NEETની પરીક્ષા માટે આદિવાસી બાળકોને કોચિંગ ક્લાસ, સરકારી લાઇબ્રેરીની સુવિધા, કરજણ સર્કિટ હાઉસ રીપેરીંગ, મત્સ્ય ઉદ્યોગ મંડળી દ્વારા આદિવાસી માછીમારોને માછીમારીની તાલીમ-માર્કેટિંગ અને સવલતો આપવા ઉપર ભાર મૂક્યો હતો. વન મંડળીઓને વન વિભાગ દ્વારા તાલીમ, માર્કેટિંગની તક મળે તે જોવા પર ભાર મૂક્યો હતો. ટીમરૂના પાન, વાંસકામ, ગુંદર, ગૂગળનું કલેક્શન કરી વેચાણ અને માર્કેટિંગની વ્યવસ્થાને રાજ્ય અને દેશ વિદેશમાં તેનું બ્રાન્ડીંગ થાય તે જોવા અને આદિવાસી સમુદાયને મદદરૂપ થવા પર ભાર મૂક્યો હતો. પ્રોપર્ટી કાર્ડ લોકોને ઝડપથી મળે તેમજ રાજપીપળાના નવા ફળિયા અને નરસિંહ ટેકરીના રહીશોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

જિલ્લા સંકલનની પ્રારંભ બેઠકમાં ભાગ ૧-૨ માં અધિકારી/કર્મચારીઓને લગતા પ્રશ્નો તેમજ એકબીજા વિભાગોને સંકલનમાં રહીને જોઈન્ટ વિઝીટ કરીને લોકોને પડતી હાલાકી અંગેના પ્રશ્નો દૂર કરવા, આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, વીજળી-પાણી જેવા પ્રશ્નો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. ચૂંટણી સંબંધિત મતદાન મથકોમાં દિવ્યાંગ મતદાતાઓ અને વયોવૃદ્ધ મતદાતાઓ માટે રેમ્પ બનાવવા તેમજ આદર્શ મતદાન મથકો ઊભા કરાયા હોય તેને જાળવી રાખવા, સીએમ ડેશ બોર્ડમાં ડેટા એન્ટ્રી કરીને જિલ્લાના રેટિંગમાં સતત પ્રગતિ બની રહે તે જોવા ઉપર ભાર મૂક્યો હતો. લોકો દ્વારા તથા જનપ્રતિનિધિશ્રીઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા જણાવવામાં આવ્યું હતું. અને નિકાલ કરાયેલી કામગીરીની જાણ કરવા પણ વિભાગોને સૂચના આપવામાં આવી હતી.

બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અશાંતધારા, તડીપાર, હથિયાર પરવાના, પોલીસ સ્ટેશનની તપાસ નિરીક્ષણ અને રોડ પરના અડચણરૂપ વૃક્ષનું ટ્રીમીંગ, વીજવાયરોનું જરૂરી સિફ્ટીંગ અને જિલ્લામાં પ્રાંત મામલતદારના સંકલનમાં રહીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ જરૂરી પરમિશન માટે પરામર્શ કરીને કામગીરી કરવા જણાવ્યું હતું. જેવી કે ડ્રોનની પરમિશન, રેલી, સભા-સરઘસ વગેરે બાબતો સંકલનમાં રહીને જોવા ઉપર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં રોડ સેફ્ટી અંગેની ચર્ચા આર.ટી.ઓ. વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. અને અકસ્માત ઝોન હોય ત્યાં નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ મકાન વિભાગ સ્ટેટ, આરટીઓ, પોલીસ વગેરે સંયુક્ત રીતે વિઝીટ કરીને અકસ્માત ઝોન દૂર કરવા પર ભાર મૂક્યો હતો. સ્પીડ બ્રેકર, અરીસો, ડાઈવર્ઝન, સાઈનબોર્ડ, બેરીકેટ તેમજ પેટ્રોલ પંપ પર અવરજવર કરતા વાહનોનું ટ્રાફિક નિયમન અને સેફ્ટી અંગે સલામતી સુરક્ષા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાંદોદના પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા સહિત સંબંધિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here