જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ‘પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઇન’નાં સમાપન પ્રસંગે પ્રભાત ફેરીનું આયોજન કરાયું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

દેશની આઝાદીનાં ૭૫મા વર્ષની ઉજવણીનાં ભાગરૂપે દેશમાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના નામદાર ન્યાયમુર્તિશ્રી તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ,(નાલસા) નવી દિલ્હીના એકઝીકયુટીવ ચેરમેનશ્રી યુ.યુ. લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિઃશુલ્ક અને અસરકારક કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતાની માહિતી પહોંચે તે માટે ૪૪ દિવસનું ‘પાન ઇન્ડિયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈન’ હાથ ધરવામાં આવ્યું છે, જે આજે તા.૧૪ નવેમ્બરનાં રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ અભિયાનનાં સમાપન દિવસે આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ગોધરા ખાતેથી એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સેવા સત્તા મંડળના સચિવશ્રી એસ.એ.શેખ સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રભાત ફેરીમાં સામાન્યજનોને કાનૂની અધિકારો અંગે જાગૃતિ સબંધી પ્લે કાર્ડસ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત રાજય અને ખાસ કરીને દરેક ગામમાં જે-તે જિલ્લાનાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જે-તે તાલુકાની તાલુકા સેવા સમિતિઓ મારફતે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજયનાં તમામ જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનાં પેનલ એડવોકેટ, પેરા લીગલ વોલિન્ટીયર્સ, લો સ્ટુડન્ટ્સ તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે આ અંગે ગામે ગામ ડોર ટુ ડોર કેમ્પેઈન મોબાઈલ વાન મારફતે હાથ ધરી મફત કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતા બાબતે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત સામાન્ય લોકોને સ્પર્શતા કાયદાકીય પ્રશ્નો અંગે કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કાર્યક્રમો યોજી રાજયના તમામ ગામડાઓમાં ફરી મહત્તમ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવવામાં આવ્યા છે. તમામ નાગરિકોને કોઈપણ પ્રકારના કાનૂની પ્રશ્ન, કાનૂની મુંઝવણ, કાનૂની સહાય કે કાનૂની સલાહ માટે નજીકના કાનૂની સેવા સંસ્થાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here