ગોધરા શહેર ખાતે વહીવટી તંત્ર દ્વારા શહેરના હાર્દસમા ગાંધી ચોક(ચર્ચ)થી ફ્લાય ઓવર સુધીના રસ્તા પર ટ્રાફીક ડ્રાઈવ યોજાઈ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ચાર લારી-ગલ્લા સહિત ૨૫ દબાણો હટાવવામાં આવ્યા,આર.ટી.ઓ દ્વારા રસ્તામાં નડતર રૂપ પાર્ક કરેલ વાહન માલિકોને સ્થળ પર દંડ વસૂલ કરાયો

આજ રોજ તા.૦૩/૧૧/૨૦૨૩ના રોજ સવારના ૯–૦૦ કલાકથી ૧૧-૦૦ વાગ્યા દરમ્યાન પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંત ગોધરાની અધ્યક્ષતામાં ગોધરા શહેર ખાતે ગાંધી ચોક(ચર્ચ)થી ફ્લાય ઓવર સુધી ટ્રાફીક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે ટ્રાફીક ડ્રાઈવમાં મહેસુલ વિભાગ,પોલીસ વિભાગ, ટ્રાફીક વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ગોધરા નગરપાલીકા, આર.ટી.ઓ.,એમ.જી.વી.સી.એલ.વગેરે વિભાગો દ્વારા સંયુકત કામગીરી હાથ ધરાઈ હતી.

સદર ડ્રાઈવમાં જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરતા ૪(ચાર) લારી—ગલ્લા હટાવવામાં આવ્યા હતા.૨૫(પચ્ચીસ) જેટલા રસ્તા ઉપર છજા કાઢીને કે અન્ય રીતે કરેલ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આર.ટી.ઓ.દ્વારા એક નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ વાહન અંગે તેમજ ગોધરા શહેર ટ્રાફીક શાખા દ્વારા ૧૧(અગિયાર) જેટલા જાહેર રસ્તામાં નડતર રૂપ પાર્ક કરેલ વાહનોને સ્થળ ઉપર દંડ ફટકારવાની કામગીરી હાથ ધરાઈ છે.

સદર ડ્રાઈવ દરમ્યાન લોકોને જાહેર રસ્તાને અવરોધ થાય તે રીતે વાહન પાર્કિંગ કે દબાણ ન કરવા સમજુત કરી, જનજાગૃતિ પણ લાવવા પ્રયાસ કરાયો હતો.વધુમાં આવનાર સમયમાં આ પ્રકારની ટ્રાફીક ડ્રાઈવ વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે યોજી, કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ,ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here