ગોધરા જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઇ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તેમજ તેઓના પરિવારને મતદાન જાગૃતિ અંતર્ગત માર્ગદર્શન અપાયું

આજ રોજ ગોધરા જિલ્લા સેવાસદન કલેકટર કચેરી હોલ ખાતે અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી ચુડાસમાની અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી દ્વારા સ્વાગત સંબોધન અને કલ્યાણ પ્રવૃત્તિઓ અંગે માહિતી રજૂ કરાઈ હતી.

આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટરશ્રી દ્વારા પૂર્વ સૈનિક, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓ, આશ્રિતોના કલ્યાણ અને સમસ્યાના મુદ્દાઓ પર સુચારુ ચર્ચા વિચારણા કરાઇ હતી. મતદાર નોંધણી માટે ડિજિટલ માધ્યમ જેમાં વોટર હેલ્પલાઇન એપ, વોટર પોર્ટલ થકી એપિક સાથે લીંક કરવા, ૧૯૫૦ હેલ્પલાઇન નંબર, જાગૃતિ અભિયાન સહિતની ચર્ચા કરાઇ હતી.

અહી નોંધનીય છે કે પંચમહાલ જિલ્લામાં ૩૧ ઓગસ્ટની સ્થિતિએ કુલ ૩૧૮૫ પૂર્વ સૈનિક, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓ, આશ્રિતોની સંખ્યા નોધાઇ છે. જેમાં ૭૨૨ પૂર્વ સૈનિકો, ૯૯ સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મ પત્નીઓ અને ૨૩૬૪ આશ્રીતોની સંખ્યા નોધાઇ છે. ગત ત્રણ મહિના દરમિયાન રાજ્ય સૈનિક બોર્ડ તરફથી ૧૭ કેસોમાં રૂપિયા ૨ લાખ ૮૮ હજાર ૭૦૦ રૂપિયાની આર્થિક સહાય મંજુર થયેલ છે. આ સિવાય દીકરી લગ્ન સહાયના બે કેસોમાં રૂપિયા ૫૦/૫૦ હજારની સહાય અપાઇ છે.

આ પ્રસંગે અધિક જિલ્લા કલેકટરશ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તેમજ તેઓના પરિવારને આગામી ચૂંટણીમાં મતદાન કરવા સારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નવા મતદાર ઉમેદવારોને મતદાન યાદીમાં નામ નોધણી કરાવવા, નામ કમી કરાવવા તથા ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવા તથા ભરતીની તૈયારી કરતા યુવાનોને સ્થળ પર જઈને મતદાર જાગૃતિ અંગે કેમ્પ યોજવા સહિતની ચર્ચા કરાઇ હતી.

આ બેઠકમાં ડિવાયએસપીશ્રી હિમાલા જોશી,ચૂંટણી અધિકારીશ્રીઓ, જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને સભ્યો, માજી સૈનિકો સહિત આમંત્રિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here