ગોધરામાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના ઉપક્રમે સ્ટુડન્ટ, સ્ટાર્ટ અપ અને ઇનોવેશન કોન્ફરન્સ યોજવામાં આવી

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

કેન્દ્રીય રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી અન્નપૂર્ણાદેવી ઉપસ્થિત રહ્યા હતા

ભારત દેશ આગામી સમયમાં પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વગુરુ બનશે, ભારત દેશમાં પ્રધાનમંત્રીશ્રીના પ્રોત્સાહન થકી સ્ટાર્ટ-અપ કલ્ચરનો વિકાસ થઈ રહ્યો છે- શ્રીમતી અન્નપૂર્ણાદેવી

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આવેલ રામનગર સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે i-Hub તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ, સ્ટાર્ટ અપ અને ઈનોવેશન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણાદેવી ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાની વિવિધ કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરીને આત્મનિર્ભર થવા ઇચ્છતા યુવાનો હાજર રહ્યા હતા.

ગોધરા ધારાસભ્યશ્રી સીકે રાઉલજીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ આજે શિખરો સર કર્યા છે, તેમાં સૌથી અગત્યનો રોલ યુવાઓનો રહ્યો છે, વિધાર્થીઓ પોતાના શિક્ષણ બાદ નોકરી શોધવાની જગ્યાએ નોકરી આપતા બને તે માટે આત્મનિર્ભરતા જરૂરી છે.

આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ યુવા ઉદ્યોગ સાહસિકો અને પોતાના સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બનેલા ૧૬ જેટલા યુવાનો તથા યુવતીઓનું કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણાદેવી દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી શ્રીમતી અન્નપૂર્ણાદેવીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે, આવનાર દિવસોમાં દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે, તેમાં સૌથી અગત્યનો ફાળો યુવાઓનો હશે, ભારત દેશ મન, વિચાર અને પોતાના લક્ષ્યથી સૌથી યુવા દેશ બન્યો છે, સૌથી ઓછા સમયમાં ભારતમાં નવા સ્ટાર્ટ અપ સ્થપાયા છે, હાલમાં યુવાનો નોકરી લેતા નથી પરંતુ આપી રહ્યા છે, બીજી તરફ હાલના સમયની વિશેષ માંગ હતી કે ભારતમાં નવી રાષ્ટ્રનીતિ લાગૂ થાય જેમાં પ્રધાનમંત્રીશ્રીની આત્મનિર્ભર નીતિનો સમાવેશ થાય છે, આત્મનિર્ભર ભારત વિશ્વગુરુ બનવા તરફ મજબૂત પગલું છે, આગામી સમયમાં ધોરણ-૬થી વ્યાવસાયિક કોર્સના ક્લાસરૂમ શરૂ કરવામાં આવશે, કૉલેજ સ્તરે વિવિધ વ્યવસાયિક કોર્ષની ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે અને યુવાઓને સ્વાવલંબી બનાવવામાં આવશે, ગુજરાતની વેપારી પ્રજાને કામ-ધંધો અને રોજગાર શરૂ કરવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ ખૂબ જ ઉપયોગી બનશે, સાથે જ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં સ્થાનિક ભાષાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, ભારતના અલગ અલગ રાજ્યોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમ દ્વારા પડતી મુશ્કેલી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિના માધ્યમથી દૂર કરી શકાશે.

વધુમાં કેન્દ્રીય રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી અન્નપૂર્ણાદેવીએ ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરની જરૂરિયાત મુજબ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના માટે શોધ અને સંશોધન અગત્યનું છે, શોધ વિના શ્રેષ્ઠ મેળવી શકાતું નથી, વિશ્વમાં આવેલી કોરોના મહામારીમાં વિશ્વમાં ભારતનો ડંકો આવ્યો છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ઓછા સમયમાં બે કોરોના પ્રતિરોધક વેક્સિન તૈયાર કરી છે, અને ૧૦૦ થી વધુ દેશોમાં વેક્સિનની નિકાસ કરવામાં આવી છે.
ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ રાષ્ટ્રના ઘડતરની સાથે સાથે વિધાર્થીઓના ચરિત્ર અને વ્યક્તિત્વ નિર્માણમાં પણ અગત્યનો ભાગ ભજવશે, દેશના વિવિધ મહાપુરુષોએ શિક્ષાને મુખ્ય અંગ ગણ્યું છે, ત્યારે ચરિતાર્થ કરવાની પુનઃ આવશ્યકતા રહેલી હતી, જે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં સમાવી લેવામાં આવી છે. કેન્દ્રીય રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી અન્નપૂર્ણાદેવીએ જણાવ્યું હતું કે નવું ભારત વિશ્વની નવી યાત્રા પર આગળ વધી રહ્યું છે, વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થા પાંચમા ક્રમાંકે પહોંચી છે, અને સૌથી ઝડપથી અર્થવ્યવસ્થાનો વિકાસ થઈ રહ્યો છે.આ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્યશ્રી સી કે રાઉલજી, શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રતાપસિંહ ચૌહાણ, મહિલા મોરચાના ઉપપ્રમુખ કુમારી શ્રદ્ધા રાજપૂત અને જિલ્લાધ્યક્ષશ્રી અશ્વિનભાઈ પટેલ સહિત વિવિધ કોલેજના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here