કાલોલ મતવિસ્તારમાં ભાજપના ભાવિ ધારાસભ્ય અંગે સર્વે કરતી લિંક સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપમાં ગરમાવો… ગણતરીના કલાકોમાં સર્વે કરતી લિંક ડિલીટ થઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ મતવિસ્તારમાં બુધવારે સોશિયલ મીડિયામાં ભાજપના ભાવિ ધારાસભ્ય અંગે એક Stawpoll નામની લીંક ફરતી થઈ હતી. આ લિંક પર કલીક કરવાથી કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક માટે આપ કોને પસંદ કરશો કોને વોટ આપશો એવા એક પ્રશ્ન નીચે ભાજપના માત્ર ચાર ઉમેદવારોના નામ જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી. કાલોલ શહેર અને તાલુકા વિસ્તારના સોશિયલ મીડિયામાં બુધવારે બપોર સુઘી જોવા મળેલી આ લિંકમાં લોકો પોતાના મન પસંદ ઉમેદવાર સામે કલીક કરીને કોને કેટલી તરફદારી મળી છે એ પણ જોઈ શકાતુ હતુ‌. તેથી સર્વે અંગે વિવાદિત બનેલી આ લિંકમાં કાલોલ મતવિસ્તારના માત્ર ચાર ઉમેદવારોના નામો ડિસ્પ્લે સ્ક્રીન પર જોવા મળતા ભાજપની ટિકિટ મેળવવા માટે ઈચ્છુક અન્ય નેતાઓના ભવાં ચઢી ગયા હતા. જેને પગલે કાલોલ ભાજપના રાજકારણનો માહોલ ગરમાયો હતો. જ્યારે આ સર્વે કરતી લિંક અંગે ભાજપના અગ્રણીઓ સાથે પુછપરછ કરતા નેતાઓએ નરો વા કુંજરો વા વ્યક્ત કર્યું હતું. જોકે બુધવારે બપોર પછી સોશિયલ મીડિયામાંથી એકાએક આ લીંક ડિલીટ પણ થઈ જતા લિંક અંગે તરેહ તરેહની ચર્ચાઓ જામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીઓ અંગે હજુ કોઈ સ્પષ્ટ ચિત્ર નથી એ અગાઉ કાલોલ વિસ્તાર અને ભાજપના નેતાઓમાં વિવાદિત બનેલી આ લિંક અંગે ભાજપના જ કોઈ હોદ્દેદાર દ્વારા આવી લીંક બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હશે કે કેમ એ અંગે સવાલો ઉભા થયા હતા તદ્ઉપરાંત મેન્ડેટ મુજબ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરવાની પ્રણાલીને અનુસરતી શિસ્તબધ્ધ ગણાતી ભાજપ પાર્ટી પાર્ટીમાં આ લિંકને કારણે વિવાદ વકરે એ પહેલા ચર્ચાસ્પદ બનેલી લીંક ડિલીટ કરાવી હોવાનું જાણવા મળે છે. તેમ છતાં વિવાદિત બનેલી લિંકને પગલે કાલોલ ભાજપ સંગઠનના રાજકારણમાં ગરમાવો આવી ગયો હોવાનું ચિત્ર જોવા જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here