કાલોલમાં ભાજપની ગૌરવ યાત્રાનું દબદબાભેર સ્વાગત… પૂર્વ સેના જનરલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી વી કે સિંગે ડબલ એન્જીનની સરકાર થકી ડબલ વિકાસ કરવાની કરી ગર્જના

કાલોલ, ( પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલમાં રવિવારે ભાજપના કેન્દ્રીયમંત્રી વી કે સિંગના નેતૃત્વમાં ગુજરાત ગૌરવ યાત્રાના રથનું આગમન થયું હતું, ગૌરવ યાત્રાના સ્વાગત માટે ગૌરવ યાત્રાના રૂટ પર ઠેર ઠેર ભાજપની ભગવી પતાકાઓ લહેરાવતા આખો હાઈવે ભગવા રંગે રંગાયો હતો અને ભાજપ કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ છવાયો હતો. ગુજરાત ભાજપ સરકારની ગૌરવ યાત્રાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરે ત્રણ વાગ્યે કેન્દ્રીય મંત્રી વી કે સિંગના નેતૃત્વમાં આવેલી ગૌરવ યાત્રાનું સ્થાનિક નેતાઓએ ઉમળકાભેર સ્વાગત કરીને ભાજપની યુવા મોરચાના યુવાનોએ સર્કીટ હાઉસથી ભગવો ખેસ અને ભગવા પતાકાઓ લહેરાવતી મોટરસાયકલોની રેલી યોજીને ફટાકડા ફોડી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને રેલી ગોધરા રોડ પર આવેલા આર્મી ગ્રાઉન્ડ પર પહોંચી હતી. જ્યાં કાલોલ મતવિસ્તારની એકત્રિત કરેલી માનવ મેદનીની ગૌરવ યાત્રામાં આવેલા નેતાઓએ ગુજરાતની ગૌરવ ગાથાને જાહેરસભા સમક્ષ સંબોધી હતી. ગુજરાત ગૌરવ યાત્રાને લઈને આવેલા ભાજપના કેન્દ્રીય મંત્રી વી કે સિંહે તેમના હિન્દી ભાષાના સંબોધનમાં વિપક્ષોનો ભ્રષ્ટાચાર અને ગુજરાતની પ્રજાને મફતની રેવડીઓ ખવડાવવાની લાલચ આપતા પક્ષોથી ચેતીને પુર્વ મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૧ વર્ષના નેતૃત્વમાં ગુજરાતે ડબલ વિકાસ કરીને દેશના વિકાસ મોડેલનું એન્જિન બનાવ્યું છે તેથી હવે ડબલ એન્જીનની સરકાર જેવી ભરોસાની સરકાર અટલ ભરોસો રાખવાનું આહવાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોક વર્તુળોની ચર્ચા મુજબ ગુજરાત ગૌરવ યાત્રા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આગમનની અપેક્ષાએ ગુજરાતના બન્ને ટોચના નેતાઓની ગેરહાજરી જોવા મળતા કાર્યકરો અને જાહેરસભામાં ઉપસ્થિત લોકોને નિરાશા વ્યાપી હતી.

ગુજરાત ગૌરવ યાત્રાના સ્વાગતમાં પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, કાલોલ ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાલોલ પાલિકા પ્રમુખ શેફાલી ઉપાધ્યાય સહિત કાલોલ શહેર અને તાલુકાના ભાજપની વિવિધ પાંખના હોદ્દેદારો, પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here