કાલોલમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણીનો માહોલ : ધૂમ ખરીદી સાથે બજારમાં દિવાળીની રોનક ચમકી ઉઠી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ પંથકમાં ધનતેરસના શુભ મુહૂર્ત સાથે જનજીવનમાં દિવાળી મહાપર્વની ઉજવણીનો માહોલ સર્જાયો છે અને સર્વત્ર દિવાળીની રોનક ચમકી ઉઠી છે, અત્રે નવરાત્રી પછી શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો ચમકારા સાથે બજાર પણ ઠંડું જોવા મળતું હતું, પરંતુ ધનતેરસના શુભ મુહૂર્ત સાથે લોકો દિવાળી મહાપર્વની ખરીદી માટે ઉમટી પડતાં બજારમાં ગરમાવો આવી ગયો હતો‌ અને ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીના ત્રણેય દિવસોમાં ઘરાકી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા બે વર્ષથી કોરોના મહામારીના માહોલમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને કારણે પાછલી દિવાળી સિમિત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેથી આ વર્ષે દિવાળીના તહેવારોમાં મુક્તપણે ઉજવણી કરવાનો લ્હાવો લેતા લોકોમાં મોકળાશ જોવા મળી હતી. તદ્ઉપરાંત આ વખતે તહેવારોની સિઝનને પગલે સમયસર પગાર, ભથ્થાં અને બોનસ મળી રહેતા બજારોમાં તેજીનો માહોલ સર્જાયો હતો, ખાસ કરીને લોકોએ દિવાળીના તહેવારો નિમિત્તે સોનું, મિઠાઈ, કપડાં, ફટાકડા, રંગ, કોડિયા, કટલરી, કરિયાણા, ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની ચીજવસ્તુઓના બજારમાં પુરબહારની ખરીદીની રોનક જામી ઉઠતાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બીજી તરફ કાલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં લોકોએ પોતાના મકાનોને રંગબેરંગી લાઈટિંગ સિરિઝો, ઘરઆંગણે રંગોળી અને વિવિધ મનભાવન મીઠાઈઓ સાથે દિવાળીના તહેવારોનો આનંદ લૂંટ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here