એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ વેગવાન બન્યુ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

એકતાનગરની સ્વચ્છતા અને સુંદરતા જાળવી રાખવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા સાથે અધિકારીઓ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવની સ્વચ્છતા ડ્રાઇવમાં ઉત્સાહભેર ભાગીદારી : ટીમ એસબીએમ ખડેપગે

અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી વિરાટતમ પ્રેરણામૂર્તિના સાનિધ્યમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની રાષ્ટ્રીય ઉજવણી થનાર છે. આ પ્રસંગે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારી-કર્મચારીઓ એકતાનગર અને તેની આસપાસના ગામોની સ્વચ્છતાના સ્તરને વધુ બહેતર બનાવવાના સુદ્રઢ પ્રતિબદ્ધતા સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ઉત્સાભેર જોડાયા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવના નેતૃત્વમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ થકી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે નર્મદા-એકતાનગર વહીવટી તંત્રના જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ સ્વચ્છતા ડ્રાઇવમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક જે.કે.જાદવ સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં અંગત રસ દાખવી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે હાથમાં ઝાડુ લઈને એકતાનગરના આસપાસના વિસ્તારની સાફસફાઈ કરી હતી. જાદવના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના જિલ્લા કો-ઓર્ડિનેટર અરવિંદભાઈ પ્રજાપતિએ તેમના સંપૂર્ણ સ્ટાફ સાથે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા હતા.

આ વીએમસીના નાયબ કમિશનર નીતિનભાઈ સોલંકીના નિગરાનીમાં સ્વચ્છતા કર્મીઓએ જોમ-જુસ્સાથી સાફસફાઈ કરી હતી. નોંધનીય છે કે, સમાજને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્વચ્છતા કર્મીઓની ભૂમિકા ખૂબ મહત્વની રહેલી છે. વહીવટી તંત્રના જિલ્લા-તાલુકાના સૌ અધિકારીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી.

સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ભૂમિકા રાઉલ, જિલ્લા આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, જિલ્લા આંકડા અધિકારી વિનિશા ગામિત, રાજપીપલા નગરપાલિકાના મુખ્ય અધિકારી રાહુલભાઈ ઢોડીયા, ઇન્ચાર્જ નાંદોદ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી મોસમબેન પટેલ, ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીશ્રી રાવચંદ રાઠવા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ સ્વચ્છતાના આ મહાયજ્ઞમાં શ્રમદાન થકી લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી જાગૃત કરવાની સરાહનીય કામગીરી કરી રહ્યા છે, જેમાં લોકોની પણ ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here