નર્મદા : પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીનો અનુરોધ

  • પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સૌના સહિયારા પ્રયાસો સહિત મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ સાર્થક બનાવવાની દિશામાં સૌને સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીનો અનુરોધ
  • રાજપીપલા મુખ્યમથકે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં જિલ્લા કલેક્ટર ના હસ્તે થયેલું ધ્વજવંદન
  • કેન્દ્રીય ગુહ વિભાગ દ્વારા જીવનરક્ષા પદક માટે વિજેતા જાહેર થયેલ નર્મદા જિલ્લાના રીંગણી ગામના પોલીસ કોન્સ્ટેબલ શ્રી શ્રવણકુમાર વસાવાને જીવનરક્ષા પદક અને રૂા. ૧ લાખના પુરસ્કારના ચેક સાથે પ્રશસ્તિપત્રથી કરાયું બહુમાન
  • “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત ધો-૧૦ અને ૧૨ માં ચાલુ વર્ષે બોર્ડની જાહેર પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓનું પણ પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું : જિલ્લાની ૨૦ વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં રૂા. ૫ હજાર લેખે કુલ રૂા. ૧ લાખની રકમ પુરસ્કાર પેટે જમા કરાશે.
  • શિક્ષણ અને ખેલકૂદ ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનારાઓનું પણ કરાયું અભિવાદન

રાજપીપલા(નર્મદા),
આશિક પઠાણ

તસ્વીર

રાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ત્રિરંગાને સલામી આપી હતી. નર્મદા પોલીસ, એસ.આર.ડી. અને હોમગાર્ડઝ સહિતની પ્લાટુનો તેમજ પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે યોજાયેલા આ ધ્વજારોહણ સમારોહમાં જિલ્લા કલેકટર કોઠારીએ નર્મદા જિલ્લાવાસીઓ સહિત ગુજરાતની ગૌરવવંતી પ્રજાને આજના સ્વાતંત્ર્ય પર્વના વધામણા સાથે હાર્દિક શુભકામના પાઠવી હતી.

જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષો અને વીર શહીદોને શ્રધ્ધાસૂમન અર્પણ કરવાની સાથે દેશના આ સપૂતોએ તેમના જીવનની આપેલી આહૂતી અને યોગદાન ભારતના ઇતિહાસમાં અમર રહેશે, તેમ જણાવી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને શત્ શત્ વંદન કર્યા હતાં. આ તકે પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સૌના સહિયારા પ્રયાસો સહિત મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ સાર્થક બનાવવાની દિશામાં સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેકટર કોઠારીએ એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગના પેરામીટર મુજબ આરોગ્ય-પોષણ, શિક્ષણ, કૃષિ અને સહકાર, કૌશલ્ય વર્ધન, ફાઇનાન્સીયલ ઇન્કલુજન અને માળખાગત સુવિધા સહિત વિકાસના દરેક ક્ષેત્રમાં નર્મદા જિલ્લો ખૂબ જ ઝડપથી આગળ વધી રહયાની સાથે તાજેતરમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મેળવીને રાષ્ટ્રીય સ્તરે જિલ્લાએ ગૌરવ વધાર્યુ છે તેમ જણાવી સરકાર ના જુદા જુદા વિભાગો દ્રારા સઘન થઇ રહેલી યોજનાકીય અમલીકરણ સહિત વિશિષ્ટ અને નોંધપાત્ર કામગીરી સાથે હાંસલ કરાયેલી સિધ્ધિઓ અંગેની આંકડાકીય રૂપરેખા આપી હતી.

નર્મદા કલેક્ટર કોઠારીએ વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન એપ્રિલ-૨૦૨૦ થી જુન-૨૦૨૦ દરમિયાન વાજબી ભાવની દુકાનો મારફત વિવિધ યોજના હેઠળના જિલ્લાના લાભાર્થી કાર્ડધારકોને ૧૦,૩૦૯ ટન ઘઉં, ૪,૫૧૩ ટન ચોખા, ૪૯૦ ટન ખાંડ અને ૩૨૮ ટન મીઠું તેમજ ૪૦ ટન તુવેર દાળ/ ચણાનું નિઃશુલ્ક રીતે ફુડ બાસ્કેટથી વિતરણ કરાયું છે. તદ્ઉપરાંત પરપ્રાંતીય લાભાર્થીઓને પણ અન્ન ભ્રહ્મ યોજના હેઠળ અનાજના કરાયેલા વિતરણની સાથોસાથ અંત્યોદય તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અગ્રતા ધરાવતા કુલ ૯૦,૬૮૦ કુટુંબોને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ યોજના અંતર્ગત રૂપિયા ૧ હજાર લેખે બેંક ખાતામાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર મારફત જમા કરાયેલ છે. લોકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી મહિલા ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૧.૨૧ લાખ મહિલા ખાતેદારના ખાતામાં માસિક રૂા. ૫૦૦/- લેખે એપ્રિલ-૨૦૨૦ થી જૂન-૨૦૨૦ દરમિયાન રૂા. ૧૮.૧૫ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. તેની સાથોસાથ એપ્રિલ થી જૂન-૨૦૨૦ દરમિયાન નાના મોટા ધંધા-રોજગાર માટે MSME યોજના હેઠળ જિલ્લામાં ૧૧૫૪ લાભાર્થીઓને ૬.૫૮ કરોડથી વધુનુ ધિરાણ અપાયું છે.

ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના હસ્તે ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા જીવનરક્ષા પદક વિજેતા જાહેર કરાયેલ જિલ્લાના રીંગણી ગામના વતની અને હાલ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ શ્રી શ્રવણકુમાર ચંદુભાઇ વસાવાને જીવનરક્ષા પદક, રૂા. ૧ લાખના પુરસ્કારના ચેક સાથે પ્રશસ્તિપત્રથી બહુમાન કરવાં ઉપરાંત રાજ્યકક્ષાએ રોલપ્લે સ્પર્ધા અંતર્ગત મિડીયા લીટરસી કૃતિમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ગાજરગોટાની સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી, જિમ્નાસ્ટિકમાં શ્રેષ્ઠ દેખાવ બદલ સરદાર પટેલ જુનિયર એવોર્ડ વિજેતા માનસીબેન મહેશભાઇ વસવાને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. તદઉપરાંત “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત ધો-૧૦ અને ૧૨ માં ચાલુ વર્ષે બોર્ડની જાહેર પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું, જે અંતર્ગત જિલ્લાની ૨૦ વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં રૂા. ૫ હજાર લેખે કુલ રૂા. ૧ લાખની રકમ પુરસ્કાર પેટે જમા કરાશે.

જિલ્લાકક્ષાના યોજાયેલાં આ ધ્વજારોહણ સમારોહમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, રાજવી પરિવારના રઘુવીરસિંહજી ગોહિલ અને માનવેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ. કે. વ્યાસ, નાયબ વન સંરક્ષક ડૉ. નિરજકુમાર અને પ્રતિકભાઇ પંડ્યા, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, ટીમ નર્મદાના કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમના અંતમાં જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here