૯ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે- તડામાર તૈયારીઓમાં તંત્ર

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

૧૮-દેશના ૩૪ અને ભારતના ૧૭ મળી કુલ ૫૧ પતંગબાજોના અવનવા કરતબો સ્ટેચ્યુ ઓફ યુવિટી રેવાના તીરે વ્યૂ-પોઈન્ટ ખાતે જોવા મળશે

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારા આયોજન-અમલવારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને SOUના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૯ મી જાન્યુઆરી, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને સુચારા આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં આયોજન સાથે સંકળાયેલા જુદા-જુદા વિભાગોને સોંપાયેલી કામગીરી-જવાબદારીઓ અને ફરજો સંદર્ભે વાકેફ કર્યા હતા. ગત વર્ષે સુંદર આયોજન થયું હતું તેજ પ્રમાણે આ વર્ષે પણ લગન અને નિષ્ઠાથી કાર્યક્રમ પાર પાડવા અનુરોધ કર્યો હતો. આ ઉજવણીમાં વિદેશના પતંગબાજોને કાયમી યાદગાર બની રહે તે રીતે સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. તેમની રહેવા-જમવાની અને આનુસાંગિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ક્રાઉડ મેનેજમેન્ટ, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, લાઈટ-પાણી, આરોગ્ય, રિફ્રેશમેન્ટ વગેરે બાબતોની સમીક્ષા કરાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, SOUADTGAના નાયબ કલેકટશ્રી દર્શક વિઠલાણી અને ગુજરાત પ્રવાસન નિગમ (TCGL)ના અધિકારીએ પણ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થાને અનુરૂપ વિવિધ સુચનો સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આ વર્ષે ૧૮ દેશના ૩૪ અને ગુજરાત સહિત ભારતના ૧૪ મળી કુલ ૫૧ પતંગબાજો એકતાનગર ખાતે પતંગ મહોત્સવમાં સ્થાનિક પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં સહભાગી બનશે અને એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ખડુ કરશે. જે દ્રશ્ય અદભૂત અને અવિશ્મરણીય બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here